Valsad: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કાર્યાન્વિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન (Abhayam 181 Women Helpline) ગુજરાતની પીડીત મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.
મહિલાઓની શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની હેરાનગતિમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અને બચાવ કાર્ય કર્યા છે.
મહિલાઓ અને યુવતીઓ માટે અભયમ એક સાચી સહેલી
લગ્નજીવનના વિખવાદો, પાડોશી સાથેના અણબનાવ, બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતી, છેડતી વગેરે કિસ્સાઓમાં મદદરૂપ બની દિન પ્રતિદિન મહિલાઓમાં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યા છે. જેથી આજે ગુજરાતની મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અભયમ એક સાચી સહેલી તરીકે બની રહી છે.
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે રાજ્યભરમાંથી કુલ 183520 કોલ આવ્યા હતા. 37780 જેટલા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમ ટીમ ઘટનાસ્થળે પહોચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કર્યા હતા. જયારે અન્ય કિસ્સાઓમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવ્યું છે.
જો વલસાડની વાત કરીએ તો, જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 2743 જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાંથી 553 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરવામાં આવી હતી. આ કેસોમાં સમાધાન 393 અને 137 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા.
કુલ કોલમાં કસ્ટડીના 62, ઘરેલુ હિંસાના 1291, લગ્ન જીવનના વિખવાદો 189, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 157, શારીરિક, માનસિક, જાતીય હેરાનગતિના 364, પરિવાર છોડેલ 52, અન્ય સબંધોના 73, કાયદાકીય માર્ગદર્શન 36, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં 49 અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના 450 જેટલા કોલ આવ્યાં હતાં.
વર્ષ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, OSC, PBSC, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્યો હતો.
આમ અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહારના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસિક અને જાતિય સતામણી અને બિનજરૂરી કોલ મેસેજથી હેરાન થતા મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓના જીવનમાં આવેલ આપતીમાં મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજિક એકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું.
