Loading...

WPL 2026 Final: વડોદરામાં આજે WPL ફાઇનલ, મલાઈકા અરોરા અને તલવિંદરસિંગનું ધમાકેદાર પરફોર્મન્સ થશે 

ગત વર્ષે પણ વડોદરામાં WPL મેચોનું સફળ આયોજન થયું હતું, જેના પગલે આ વર્ષે ફરી વડોદરાને ફાઇનલ સહિત કુલ 11 મેચોની યજમાની કરવાની તક મળી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 12:51 PM (IST)Updated: Thu 05 Feb 2026 12:51 PM (IST)
wpl-2026-final-rcb-vs-dc-at-vadodara-malaika-arora-talwinder-singh-performance-686168
HIGHLIGHTS
  • વડોદરામાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ-2026 ની ફાઈનલ મેચ રમાશે
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર મુકાબલો
  • આજે મલાઈકા અરોરા-તલવિંદરસિંગ ધમાકેદાર પરફોર્મન્સ આપશે

RCB vs DC WPL 2026 Final: વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ-2026 (WPL 2026) માટે ફાઇનલ મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટાઈટલ માટે આ જોરદાર મુકાબલો થવાનો છે. આજની ફાઇનલ મેચ માટેની તમામ ટિકિટ પહેલેથી જ વેચાઈ ગઈ છે, અને સ્ટેડિયમ હાઉસફુલ રહેવાનું નક્કી છે.

વિમેન્સ પ્રીમિયર લીગ-2026 ફાઇનલ મેચ

વિમેન્સ પ્રીમિયર લીગ-2026 ની શરૂઆત 9 જાન્યુઆરીએ મુંબઈથી થઈ હતી. પ્રારંભિક 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યારે બાકીની 11 મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આજે 5 ફેબ્રુઆરીએ ફાઇનલ સાથે આ સીઝનનું સમાપન થવાનું છે.

RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહામુકાબલો 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલેથી જ ફાઇનલમાં પહોંચેલી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સ જેવી સ્ટાર ક્રિકેટરોને સામસામે રમતી જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મલાઈકા અરોરા અને તલવિંદરસિંગનું પરફોર્મન્સ

આજની ફાઇનલમાં ક્રિકેટ સાથે બોલીવુડનો રંગ પણ જોવા મળશે. WPL ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પરફોર્મ કરશે, જેને લઈને પણ દર્શકોમાં વિશેષ ઉત્સાહ છે. મેદાનમાં RCB તરફથી સ્મૃતિ મંધાના, રીચા ઘોષ, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને લોરેન બેલ પર સૌની નજર રહેશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા અને સ્નેહા રાણા પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આજની વિમેન્સ પ્રીમિયર લીગ-2026 ફાઇનલ મેચમાં 30 હજારથી વધુ ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડવાના હોવાથી સ્ટેડિયમની અંદર તેમજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સે જીત્યા બે ટાઈટલ

ઉલ્લેખનીય છે કે, WPL ની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઈટલ જીત્યું હતું. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બની હતી, અને ત્રીજી સિઝનમાં ફરી મુંબઈ ઇન્ડિયન્સે ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે ચોથી સિઝનમાં RCB બીજી વખત ટાઇટલ જીતવા પ્રયાસ કરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પોતાનું પ્રથમ ટાઇટલ જીતવા માટે સમગ્ર તાકાત અજમાવશે.

ગત વર્ષે પણ વડોદરામાં સફળ રીતે WPL મેચનું આયોજન થયું હતું. તે સફળ આયોજનના પગલે આ વર્ષે ફરી વડોદરાને ફાઇનલ સહિત કુલ 11 મેચોની યજમાની કરવાની તક મળી છે, જે શહેર માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે.