WPL 2026 in Vadodara: વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની (WPL) મેચોની ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. આજની પહેલી મેચ સાંજે 7:30 વાગ્યે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચોને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંગીત-મનોરંજન ઈવેન્ટનું આયોજન, આજે સચેત-પરંપરાનું પર્ફોર્મન્સ
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) અંતર્ગત વડોદરામાં રમાનારી મેચો દરમિયાન સંગીત અને મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પહેલી મેચ દરમિયાન પ્રખ્યાત ગાયકો સચેત અને પરંપરા ટંડનનું વિશેષ સંગીતમય કાર્યક્રમ યોજાશે, જેના કારણે દર્શકોને ક્રિકેટ સાથે મનોરંજનનો પણ ભરપૂર આનંદ મળશે.
WPL 2026 દરમિયાન મેચ સાથે વિવિધ નામચીન કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે. આ રીતે વડોદરા શહેર આગામી દિવસોમાં ક્રિકેટ, સંગીત અને ઉત્સવના માહોલથી ઝગમગી ઉઠશે.
- 19 જાન્યુઆરી GG vs RCB: સચેત-પરંપરા ટંડન
- 20 જાન્યુઆરી DC vs MI: બ્રાન્સ બેન્ડ
- 22 જાન્યુઆરી GG vs UPW: DJ NYK
- 24 જાન્યુઆરી RCB vs DC: સાન્યા મલ્હોત્રા
- 26 જાન્યુઆરી RCB vs MI: ઝાકીર ખાન સાથે પ્રજાસત્તાક દિવસ થીમ આધારિત ડ્રોન શો
- 27 જાન્યુઆરી GG vs DC: ડ્રોન શો
- 29 જાન્યુઆરી UPW vs RCB: અર્જુન કાનૂનગો
- 30 જાન્યુઆરી GG vs MI: ભૂમિ ત્રિવેદી
- 1 ફેબ્રુઆરી DC vs UPW: ફાલ્ગુની પાઠક
- 3 ફેબ્રુઆરી Eliminator: તારા સુતરિયા
- 5 ફેબ્રુઆરી Final: પંજાબી સિંગર તલવિંદર
WPL 2026, ફાઈનલ સહિત 11 મેચ વડોદરામાં
વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી, જેમાં શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે બાકીની 11 મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ શ્રેણીમાં 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ પણ વડોદરામાં જ રમાશે.
આ પણ વાંચો: WPL 2026: વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, કોટંબી સ્ટેડિયમમાં ફાઈનલ સહિત 11 મેચ રમાશે
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વડોદરામાં WPL ની મેચો યોજાઈ હતી, અને તેના ઉત્તમ આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટનું યજમાન બનવાની તક મળી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો પહેલેથી જ વડોદરા પહોંચી ચૂકી છે, જ્યારે UP વોરિયર્સની ટીમ આજે વડોદરા આવશે. મેચોના સફળ આયોજન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોટંબી સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે અને ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે.
