Loading...

VMC Election: વડોદરા મનપામાં મતદાન પૂર્વે જ ભાજપનો વિજયી શંખનાદ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બે બેઠકો બિનહરીફ

કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ભેદી રીતે લાપતા થયા બાદ અંતિમ દિવસે મામલતદાર કચેરીએ પહોંચીને ફોર્મ પરત ખેંચી લીધુ અને ભાજપના ઉમેદવારને મોંઢું મીઠું કરાવી જીતની શુભેચ્છા પાઠવી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 11:10 PM (IST)Updated: Wed 15 Apr 2026 11:10 PM (IST)
vmc-election-2026-bjp-wins-2-seats-unopposed-after-congress-withdrawals-728723
HIGHLIGHTS
  • વોર્ડ નંબર 11માં કનુભાઈ ત્રિવેદીએ ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ છાવણીમાં સોંપો
  • ગુજરાતીઓને અભણ કહેનારા પક્ષથી વ્યથિત ભૂમિનો ચૂંટણી લડવાનો ઈનકારઃ સાંસદ

VMC Election 2026: આગામી 26મી તારીખે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે.

વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 11ના કોંગ્રેસના ઉમેદવારોએ નાટ્યાત્મક રીતે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા આ બંને OBC બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે, જ્યારે ભાજપમાં ઉત્સાહનો માહોલ છે.

ભૂમિ પ્રજાપતિનો 'ગાયબ' ખેલ અને હાઈવોલ્ટેજ ડ્રામા

સૌથી વધુ ચર્ચા વોર્ડ નં. 2ની બેઠકની થઈ રહી છે. અહીં કોંગ્રેસ દ્વારા ઓબીસી બેઠક પર મેદાનમાં ઉતારાયેલા ભૂમિબેન કાંતિભાઈ પ્રજાપતિ ફોર્મ મંજૂર થયા બાદ છેલ્લા 24 કલાકથી ભેદી રીતે લાપતા બન્યા હતા. કોંગ્રેસના આગેવાનો તેમના સંપર્ક માટે વલખાં મારી રહ્યા હતા, પરંતુ બુધવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે તેઓ સીધા જ મામલતદાર કચેરીએ પ્રગટ થયા હતા.

ખેડામાં લોકશાહીનો અનોખો જંગઃ ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, ચૂંટણી જ નહીં યોજાય

કોંગ્રેસના કાર્યકરોએ કચેરી બહાર ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, ભૂમિબેને મક્કમ રહીને ફોર્મ પરત ખેંચ્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, મેં મારા અંગત કારણોસર આ નિર્ણય લીધો છે.

ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર

ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચતા વોર્ડ નં. 2ની ઓબીસી બેઠકના ભાજપના ઉમેદવાર ધ્રુવિતાબેન મયંકકુમાર બ્રહ્મભટ્ટ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આવી જ રીતે વોર્ડ નં. 11માં પણ કોંગ્રેસના કનુભાઈ ત્રિવેદીએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપને વધુ એક બેઠક મળી છે.

સાંસદના નિવાસે ઉજવણી

ચૂંટણી મેદાન છોડ્યા બાદ ભૂમિબેન સીધા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના વિજેતા ઉમેદવાર ધ્રુવિતાબેનનું મોઢું મીઠું કરાવીને જીતની વધામણી આપી હતી.

આ પ્રસંગે સાંસદે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓને અભણ કહેનારા પક્ષથી વ્યથિત થઈને ભૂમિબેને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. મામલતદાર કચેરીએ જે રીતે ટોળાં ઉમટ્યા તે દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે.

કોંગ્રેસની રણનીતિ સામે સવાલ

ચૂંટણી પહેલા જ બે મહત્વની બેઠકો ગુમાવતા કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, ભાજપના મજબૂત સંગઠન સામે કોંગ્રેસના નેતાઓ 'વામણા' પુરવાર થયા છે, જેની અસર આગામી 26મીના મતદાન પર પણ પડી શકે છે.