VMC Election 2026: વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીનો જંગ અત્યારથી જ જામ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના 19 વોર્ડની કુલ બેઠકો માટે 1434 જેટલા મસમોટા આંકડામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
વોર્ડ નં. 12 બન્યું એપી-સેન્ટર
સેન્સ પ્રક્રિયાના અંતે જે આંકડા સામે આવ્યા છે તે પક્ષના હાઈકમાન્ડ માટે પસંદગીની પ્રક્રિયામાં માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. શહેરના તમામ 19 વોર્ડમાં ટિકિટ માટે સ્પર્ધા છે, પરંતુ વોર્ડ નંબર 12 માં સૌથી વધુ 103 દાવેદારો મેદાનમાં આવતા અહીં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. સરેરાશ ગણતરી કરીએ તો મનપાની દરેક એક બેઠક માટે આશરે 19 ઉમેદવારો લાઈનમાં છે.
27% OBC અનામતની અસર
આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત 27% ઓબીસી (OBC) અનામતનો અમલ થવાનો હોવાથી પછાત વર્ગના કાર્યકરોમાં ભારે જોમ જોવા મળ્યું છે, અને કુલ 338 OBC કાર્યકરોએ ટિકિટની માંગ કરી છે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે 435 મહિલાઓએ પણ મનપાના શાસનમાં ભાગીદારી નોંધાવવા દાવેદારી રજૂ કરી છે.
આ પણ વાંચો: Vadodara: વડોદરા ભાજપનો માસ્ટર પ્લાન! 'ભીષ્મ પિતામહો'ને આરામ, હવે યુવા શક્તિના હાથમાં કમાન્ડ
દાવેદારોનું આંકડાકીય વિશ્લેષણ
ભાજપમાં તમામ વર્ગના લોકોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
- કુલ દાવેદારો: 1434
- પુરુષ ઉમેદવારો: 999
- મહિલા ઉમેદવારો: 435
- સામાન્ય (General): 896
- પછાત વર્ગ (OBC): 338
- અનુસૂચિત જાતિ (SC): 173
- અનુસૂચિત જનજાતિ (ST): 27
હાઇકમાન્ડની 'કાતર' અને 'લોટરી'
ભાજપના મોવડીમંડળ માટે આટલી મોટી સંખ્યામાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ગત ચૂંટણીની જેમ જ આ વખતે પણ જો 'નો રિપીટ થીયરી' કે વય મર્યાદાના નિયમો લાગુ કરવામાં આવશે, તો અનેક 'જૂના જોગીઓ' પર પક્ષની કાતર ફરી શકે છે. બીજી તરફ, યુવા અને નવા ચહેરાને લોટરી લાગે તેવી શક્યતા પણ છે. હવે શહેર ભાજપ દ્વારા આ તમામ 1434 નામોનું સ્ક્રિનિંગ કર્યા બાદ આખરી લિસ્ટ પ્રદેશ અને ત્યારબાદ કેન્દ્રીય હાઈકમાન્ડને મોકલવામાં આવશે.
