Loading...

Gujarat Elections 2026: સુરત ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે પડાપડી, બે દિવસમાં 1500થી વધુ દાવેદારી

બીજા દિવસે કુલ 778 કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 03 Apr 2026 03:11 PM (IST)Updated: Fri 03 Apr 2026 03:11 PM (IST)
surat-bjp-sens-process-for-tickets-gujarat-local-body-elections-2026-smc-720849
HIGHLIGHTS
  • સુરત ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા
  • ત્રણ દિવસ ચાલશે સેન્સ લેવાની પ્રક્રિયા
  • બે દિવસમાં 1500 જેટલા દાવેદાર નોંધાયો

Surat BJP Sense Process: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, અને રાજકીય પાર્ટીઓએ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા હાલ સુરતમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની એટલે કે ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સતત બીજા દિવસે પણ ટિકિટ વાંચ્છુનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

ત્રણ દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા

ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટેની આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલવાની છે. આ પ્રક્રિયાના પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 12 માટે જ 800 જેટલા દાવેદારો નોંધાયા હતા. જ્યારે બીજા દિવસે ગુરુવારના રોજ વોર્ડ નંબર 13 થી 24 ની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 778 કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે.

સુરત મહાનગરપાલિકાના બાકી રહેલા 6 વોર્ડ માટે હજુ પણ ભારે ઘસારો રહેવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આ પ્રવૃત્તિઓને પગલે સુરત ભાજપ કાર્યાલય પર આખો દિવસ નેતાઓ, કાર્યકર્તાઓ, પાલિકાના પૂર્વ પદાધિકારીઓ અને ભૂતકાળમાં ચૂંટણી લડેલા ઉમેદવારોની ભારે ચહલપહલ જોવા મળી હતી.

વોર્ડ નંબર 20માં અધધ 104 દાવેદાર

બીજા દિવસની સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યું હતું કે વોર્ડ નંબર 20 (ખટોદરા-મજુરા-સગરામપુરા)માં સૌથી વધુ 104 દાવેદારોએ ટિકિટ માટેની માંગણી કરી છે. બીજી તરફ, સૌથી ઓછી દાવેદારી પુણા પૂર્વમાં નોંધાઈ છે, જ્યાં માત્ર 37 દાવેદારો સામે આવ્યા છે. આ સેન્સ પ્રક્રિયામાં એક રસપ્રદ બાબત એ પણ જોવા મળી હતી કે કેટલાક વોર્ડમાં અન્ય વોર્ડમાં રહેતા કાર્યકર્તાઓએ પણ ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ નંબર 13-24 દાવેદારોનું લિસ્ટ:

  • વોર્ડ નંબર-13 (વાડી ફળીયા-નવાપુરા-બેગમપુરા): 94 દાવેદાર
  • વોર્ડ નંબર-14 (ઉમરવાડા-માતાવાડી): 52 દાવેદાર
  • વોર્ડ નંબર-15 (કરંજ-મગોબ): 41 દાવેદાર
  • વોર્ડ નંબર-16 (પુણા પશ્ચિમ): 51 દાવેદાર
  • વોર્ડ નંબર-17 (પુણા પૂર્વ): 37 દાવેદાર
  • વોર્ડ નંબર-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા): 52 દાવેદાર
  • વોર્ડ નંબર-19 (આંજણા-ડુંભાલ): 64 દાવેદાર
  • વોર્ડ નંબર-20 (ખટોદરા-મજુરા-સગરામપુરા): 104 દાવેદાર
  • વોર્ડ નંબર-21 (સોની ફળિયા-નાનપુરા-અઠવા): 64 દાવેદાર
  • વોર્ડ નંબર-22 (ભટાર-વેસુ-ડુમસ): 85 દાવેદાર
  • વોર્ડ નંબર-23 (બમરોલી-ઉધના): 74 દાવેદાર
  • વોર્ડ નંબર-24 (ઉધના દક્ષિણ): 60 દાવેદાર