Surat News: કીમ-માંડવી સ્ટેટ હાઇવે નંબર 65 પર ઝાબ અને ઝરપણ ગામ વચ્ચે નવા શરૂ કરાયેલા ટોલબુથ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સ્થાનિકો દ્વારા ટોલનાકા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિકાસ માટે જમીન આપ્યા બાદ હવે પોતાના જ વિસ્તારમાં અવરજવર કરવા માટે ટોલ ચૂકવવો એ અન્યાય સમાન છે. જો આ મામલે કોઇ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્થાનિક જીમ્મીભાઈ ગામીતએ જણાવ્યું હતું કે આ રોડ બનાવતી વખતે એવું કહેવામાં આવતું હતું કે, 200 કરોડનો રોડ અને પાણી સરકી જાય એવો રોડ છે. આ રોડની પહેલી અસલીયત તો એ છે કે હજુ ટોલ નાકું શરુ થયું ન હતું એ પહેલા તો ગામેગામ રોડ તુટવા લાગ્યા છે, આવું તો આ રોડનું કામ કરવામાં આવ્યું છે, ત્યારબાદ હજુ તો રોડની સરખી મરામત કરી નથી ત્યાં ટોલ ચાલુ કરી દીધો છે. બીજી વાત કે અમારા વડીલોએ જમીન આપી, સ્થાનિકોના વડીલોએ જમીન આપી અને સ્થાનિકો પાસે જ ટોલ લેવાનો.

વધુમાં જણાવ્યું હતું કે આ ટોલ સતાધીશોને વાત કરીએ તો તેઓ કહે છે કે અમે કઈ જાણતા નથી, અમને તો સરકારે લેવાનું કીધું છે, સ્થાનિક લોકો જે ટેમ્પા ચાલકો અને કોમર્શીયલ વાહન ચાલકો છે, જે ગરીબ પોતાનું ઘર ચલાવે છે. તે લોકોને રોજેરોજ આ 5 કિલોમીટરના અંતરમાં રોજના 25 થી 30 ફેરા મારવાના હોય છે, તો શું 25 થી 30 વખત ટોલ ભર્યા કરશે.
માત્ર 5 કિલોમીટર રોડ વાપરશે, આખો રોડ તો વાપરતા નથી. છતાં પણ આ લોકોએ 45 કિલોમીટરની અંદર કરંજ અને અરેઠમાં ઝરપણની અંદર ટોલનાકું ઉભું કર્યું છે. અમારે એટલું જ કહેવું છે કે સ્થાનિકો લોકલ લોકોને ટોલ ભરવો નથી અને આ જો બાબત સતાધારી પક્ષ કે મામલતદાર કે પ્રાંત અધિકારી અમારી વાત ધ્યાને નહી લેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું.
