Loading...

Vadodara: સાવલી ભાજપમાં મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરોએ કેસરીયો ઉતારી કોંગ્રેસનો પંજો પકડ્યો; ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

અગ્રણી કેતન પંચાલની આગેવાની હેઠળ 100 થી વધુ કાર્યકરોએ પક્ષપલટો કર્યો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 05 Apr 2026 03:08 PM (IST)Updated: Sun 05 Apr 2026 03:08 PM (IST)
vadodara-savli-bjp-defections-workers-join-congress-corruption-allegation-722144
HIGHLIGHTS
  • સાવલી ભાજપમાં મોટું ગાબડું પડ્યું
  • 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
  • ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પક્ષપલટો

Vadodara Political News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ સત્તાધારી પક્ષ ભાજપને મોટો ફટકો પડ્યો છે. સાવલીના મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલની આગેવાની હેઠળ 100 થી વધુ સક્રિય કાર્યકરોએ એક સાથે ભાજપને ‘રામ-રામ’ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

સ્થાનિક નેતાગીરી સામે ભારે રોષ

લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક નારાજગી બાદ થયેલા આ સામૂહિક પક્ષપલટાથી સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા કાર્યકરોએ પક્ષની સ્થાનિક નેતાગીરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કાર્યકરોનો આક્ષેપ છે કે સાવલી વિસ્તારમાં ભાજપના શાસન હેઠળ ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ પહોંચ્યો છે.

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રાજીનામું

કાર્યકરોનો વધુમાં આક્ષેપ છે કે, સ્થાનિક નેતાઓ કાર્યકરોની રજૂઆત સાંભળવાને બદલે મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે. મંજુસર પંથકના આગેવાન કેતન પંચાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પક્ષમાં પાયાના કાર્યકરોની થઈ રહેલી અવગણના અને વિસ્તારના વિકાસના નામે આચરવામાં આવતા ભ્રષ્ટાચારથી કંટાળીને તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.

ગોઠડા બેઠક પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન

આ તમામ કાર્યકરોએ સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષ પલટો કર્યો હતો. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના અન્ય કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યકરોને પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, ભાજપના શાસનથી કંટાળેલી જનતા હવે પરિવર્તન ઈચ્છે છે, અને આ મોટી સંખ્યામાં થયેલો પક્ષપલટો આગામી ચૂંટણીના પરિણામોનો સંકેત છે.

વડોદરા જિલ્લા ભાજપમાં ચિંતાજનક સ્થિતિ

સાવલી અને મંજુસર પંથક ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. ચૂંટણીના ટાણે જ પાયાના 100 જેટલા કાર્યકરોનું કોંગ્રેસમાં ભળવું એ ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ ભાયલીમાં ચાલી રહેલા પોસ્ટર વોર અને બીજી તરફ સાવલીમાં પડેલું આ મોટું ગાબડું વડોદરા જિલ્લા ભાજપ સંગઠન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.