વડોદરા રેલવે સ્ટેશન પર 21 જૂનથી મેગા બ્લોક: 27 ટ્રેનોના રૂટમાં ફેરફાર, મુસાફરોએ નોંધ લેવી

વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ માટે 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી મેગા બ્લોક રહેશે. આ કારણે 27 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયા છે અને મુસાફરોને સેટેલાઇટ સ્ટેશનોથી સેવા મળશે, તેથી પ્રવાસ પહેલાં વેબસાઇટ તપાસવા અપીલ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 10:32 AM (IST)Updated: Sat, 20 Jun 2026 10:32 AM (IST)
vadodara-railway-mega-block-27-trains-affected-check-routes

Vadodara News: વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને ટ્રેન સંચાલનને વધુ સુરક્ષિત બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ 'યાર્ડ રિમોડેલિંગ' અને 'ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ'નું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ આધુનિકીકરણના કામકાજને લઈને પશ્ચિમ રેલવે દ્વારા આગામી 21 જૂન, 2026 થી 8 જુલાઈ, 2026 સુધી મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન કુલ 27 જેટલી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયા છે. રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, મુસાફરોને મુખ્ય સ્ટેશન સુધી પહોંચવામાં અગવડતા ન પડે. તે માટે વિવિધ ટ્રેનોને સેટેલાઇટ સ્ટેશનો જેવા કે, છાયાપુરી, બાજવા, વિશ્વામિત્રી, પ્રતાપનગર અને મકરપુરા સુધી જ મર્યાદિત (શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ) રાખવામાં આવશે.

મુખ્ય ફેરફારો

• છાયાપુરી સ્ટેશન: વડોદરા-કોટા એક્સપ્રેસ, દાહોદ અને ગોધરા તરફ જતી-આવતી મેમુ ટ્રેનો હવે છાયાપુરીથી જ ઉપડશે અને ત્યાં જ પૂરી થશે.
• ⁠બાજવા સ્ટેશન: અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી, વડોદરા-જામનગર ઇન્ટરસિટી તથા વટવા-વડોદરા મેમુ ટ્રેનો બાજવા સ્ટેશનથી સંચાલિત થશે.
• ⁠વિશ્વામિત્રી અને મકરપુરા: સુરત-વડોદરા મેમુ ટ્રેનો વિશ્વામિત્રી સ્ટેશને અને વલસાડ-વડોદરા પેસેન્જર મકરપુરા સ્ટેશને ટર્મિનેટ થશે.

ટ્રેનની સ્થિતિ વેબસાઈટ પર તપાસવા અપીલ

કેટલીક ટ્રેનોના સમય અને સ્ટોપેજમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે, વડોદરા-વલસાડ ઇન્ટરસિટી બાજવા સ્ટેશનથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે, પરંતુ વડોદરા સ્ટેશન પર 5 મિનિટનો સ્ટોપેજ આપશે. વડોદરા-વટવા પેસેન્જર 29 જૂન, 30 જૂન અને 1 જુલાઈના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

રેલવે પ્રશાસને મુસાફરોને મુસાફરી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનનું સચોટ સ્ટેટસ તપાસી લેવાની ખાસ અપીલ કરી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સુવિધા અને સમયબદ્ધ ટ્રેન સેવાઓનો લાભ મળશે.