Loading...

Vadodara: વડોદરાના પદમલા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, ઓવરટેક કરવા મુદ્દે થયો ડખ્ખો; 29 શખ્સોની ધરપકડ

વડોદરા શહેર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 29 શખ્સોની ધરપકડ કરી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 05 Apr 2026 09:39 AM (IST)Updated: Sun 05 Apr 2026 09:39 AM (IST)
vadodara-padmala-village-group-clash-29-accused-arrested-721910
HIGHLIGHTS
  • પદમલા ગામે બે જૂથ વચ્ચે અથડામણ
  • બાઈક ઓવરટેક બાબતે થઈ માથાકૂટ
  • પોલીસે કુલ 29 આરોપીની ધરપકડ કરી

Vadodara Padamla Village Clash: વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી પોલીસ સ્ટેશનની હદમાં પદમલા ગામે હિંસક અથડામણ સર્જાઈ હતી. બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાંથી શરૂ થયેલો વિવાદ પથ્થરમારા અને હિંસક હુમલા સુધી પહોંચ્યો હતો. જોકે, આ ઘટનામાં વડોદરા શહેર પોલીસે કડક વલણ અપનાવીને મુખ્ય સૂત્રધાર સહિત 29 તોફાની તત્વોની ધરપકડ કરી હતી.

સામાન્ય બોલાચાલી અને હિંસક વળાંક

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 23 માર્ચ 2026ના રોજ ગામના રાકેશ અને પૃથ્વી નામના બે યુવાનો વચ્ચે રસ્તા પર બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય ઝઘડો શાંત પડવાને બદલે જૂની અદાવતમાં ફેરવાઈ ગયો અને 30 માર્ચની રાત્રે આ વિવાદ ફરી વકર્યો હતો.

ગત 30 માર્ચની રાત દરમિયાન બંને જૂથના ટોળા સામસામે આવી ગયા હતા, અને મામલો એટલો બિચક્યો કે ગામમાં પથ્થરમારો શરૂ થયો હતો. આ હિંસામાં RCC ટુકડા અને પેવર બ્લોકનો છૂટા હાથે ઉપયોગ કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસાની જાણ થતા જ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

વડોદરા પોલીસની ત્વરિત કાર્યવાહી

આ હિંસાની જાણ થતા જ ઝોન-1 DCP ડૉ. જગદીશ ચાવડા અને ACP ડી.જે. ચાવડાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ બે અલગ-અલગ ફરિયાદો નોંધી હતી. વધુમાં, PI આર.એલ. પ્રજાપતિ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. 

સૂત્રધાર સહિત 29 શખ્સોની ધરપકડ

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પ્રથમ તબક્કામાં 24 તોફાની તત્વોની અટકાયત કરી હતી. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરીને પીયૂષ ચાવડા, કમલેશ ઉર્ફે કમો, મિતેશ પરમાર, વિક્રમ ગોહિલ અને હાર્દિક પઢીયાર નામના અન્ય 5 આરોપીની પણ ધરપકડ કરી છે. વડોદરા પોલીસે આ કાર્યવાહી થકી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેનારા તત્વોને છોડવામાં આવશે નહીં. 

ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

હાલમાં પદમલા ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામના અગ્રણીઓએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જ્યારે પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.