Vadodara: તરસાલીમાં કુતરો પાળવા મુદ્દે ધિંગાણું, ભાડુઆત પરિવાર પર હિંસક હુમલાનો વીડિયો વાયરલ

પાળતુ કૂતરાને લઈને અગાઉ પણ બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 01:16 PM (IST)Updated: Fri, 19 Jun 2026 01:16 PM (IST)
vadodara-news-tarsali-pet-dog-dispute-family-attacked-video-viral

Vadodara Crime News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાલતુ કૂતરાને લઈને સોસાયટીના રહીશો વચ્ચે થયેલો સામાન્ય વિવાદ આખરે અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે. કૂતરો પાળવાની બાબતે સોસાયટીના જ કેટલાક લોકો દ્વારા ભાડે રહેતા એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

કૂતરા મુદ્દે પાડોશીઓએ કર્યો હુમલો 

મળતી પ્રાથમિક માહિતી મુજબ, તરસાલી વિસ્તારની એક સોસાયટીમાં ભાડે રહેતા પરિવાર દ્વારા એક કૂતરો પાળવામાં આવતો હતો. આ પાલતુ કૂતરાને લઈને સોસાયટીના અન્ય કેટલાક રહીશો સાથે અગાઉ પણ બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ગત રોજ આ મામલાએ એટલું ઉગ્ર સ્વરૂપ લીધું કે સોસાયટીના રહીશોના એક ટોળાએ આ પરિવારના ઘરે જઈને લાકડીઓ અને ધોકા વડે હુમલો કરી દીધો હોવાનો આરોપ છે.

મહિલા અને સગીરને બેરહમીથી માર્યા

આ સમગ્ર મારામારી અને હુમલાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેટલાક લોકો એક અસહાય મહિલા અને એક સગીર પર હુમલો કરી રહ્યા છે. વીડિયોમાં પીડિતોની બચાવ માટેની ચીસાચીસ પણ સંભળાઈ રહી છે, જે આ ઘટનાની ભયાનકતા અને ગંભીરતા દર્શાવે છે.

આ દૃશ્યો જોઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. કૂતરો પાળવા જેવા મુદ્દે થયેલી આ હિંસક ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં પડોશીઓના વ્યવહાર અને સુરક્ષા અંગે અનેક મોટા સવાલો ઉભા કર્યા છે.

મકરપુરા પોલીસ કાફલો દ્વારા તપાસ શરૂ

બનાવની ગંભીરતાને જોતાં અને આ અંગે જાણ થતાં જ મકરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાનો ભોગ બનેલા પરિવારની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે અને કસૂરવારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ હાલ વિસ્તારમાં તણાવનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા વધુ ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.