Vadodara News: ચોરીના આરોપી પરિવાર સાથે પેટ ડોગ્સ પહોંચ્યા પોલીસ સ્ટેશન, પછી જે થયું તે જાણીને હૈયું ભરાઈ જશે

આ કિસ્સામાં પોલીસની અત્યંત સંવેદનશીલ અને માનવતાવાદી બાજુ જોવા મળી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 15 Jun 2026 09:01 AM (IST)Updated: Mon, 15 Jun 2026 09:01 AM (IST)
panigate-police-humanity-vadodara-thief-family-pet-dog-roxy-scooby-rescue

Vadodara News, Pet Dog News: વડોદરા શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં વેપારીઓની નજર ચૂકવીને સામાનની ચોરી કરનાર એક જ પરિવારના સભ્યોની પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે. જોકે, આરોપી પરિવાર પાસે તેમના બે પેટ ડોગ પણ હતા, તેમને પણ પોલીસ સ્ટેશન સાથે લઈ જવા પડ્યા. આ કાર્યવાહી વચ્ચે પોલીસની અત્યંત સંવેદનશીલ અને માનવતાવાદી બાજુ પણ જોવા મળી છે.

આરોપી પરિવારની ધરપકડ, સાથે હતા બે શ્વાન

પાણીગેટ પોલીસે ચોરીના આરોપમાં ભાઈ-બહેન અને પિતાની ટોળકીને ઝડપી પાડી છે. જ્યારે પોલીસ ટીમ આરોપીઓને પકડવા માટે કપુરાઈ ખાતેના ફ્લેટ પર પહોંચી, ત્યારે ઘરમાં બે પાલતુ શ્વાન જોવા મળ્યા હતા. આ શ્વાનમાં એક રોટવિલર અને બીજું 4 મહિનાનું પગ પ્રજાતિનું બચ્ચું હતું. 

પેટ ડોગ્સને પણ પોલીસ સ્ટેશન લઈ જવા પડ્યા

પોલીસ ત્રણેય આરોપીને પોતાની સાથે લઈ જાય, પછી આ મૂંગા પ્રાણીઓનું શું થાય તેવો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. શરૂઆતમાં પોલીસે આ શ્વાનોને સાચવવા માટે પાડોશીઓને વિનંતી કરી હતી. પરંતુ ડર અને જવાબદારી લેવાની અનિચ્છાના કારણે કોઈ પાડોશી તૈયાર નહોતો થયા. આથી આખરે પોલીસ બંને શ્વાનોને પોલીસ સ્ટેશન લઈ ગયા.

પાણીગેટ પોલીસ અને યુગ ફાઉન્ડેશનની માનવતા

પાણીગેટના PI એ.બી. પટેલના જણાવ્યા અનુસાર, ઘરમાં પાલતુ શ્વાન હોવાથી મોટી સમસ્યા ઉભી થઇ હતી કે, આરોપીઓ જ્યારે પોલીસ મથકે હોય ત્યારે આ અબોલ જીવોનું શું કરવું. છેવટે, માનવતાના ધોરણે પોલીસે જીવદયા પ્રેમી સંસ્થાઓનો સંપર્ક કર્યો અને 'યુગ અભિયાન ફાઉન્ડેશન' બંને શ્વાનને રાખવા તૈયાર થયું. માલિકો પરત ફરે ત્યારે શ્વાનને પાછા આપી દેવાની શરતે આ શ્વાન સંસ્થાને સોંપવામાં આવ્યા છે.

માલિકથી છૂટા પડ્યા બાદ શ્વાનોએ ભોજન ત્યજ્યું

ધરપકડ બાદ બંને પાળતુ શ્વાન પણ પોલીસ મથકે ગયા હતા, અને માંડ સંસ્થા સાથે જવા તૈયાર થયા હતા. યુગ અભિયાન ફાઉન્ડેશનના આહુતિ યાદવે જણાવ્યું હતું કે, પાલતુ શ્વાન પરિવારના સભ્ય જેવા બની જાય છે, જેથી પોલીસ પરિવારને લઈ જાય તે જોઈને શ્વાન ગભરાઈ ગયા હતા. તેમના માટે માલિકથી છૂટા પડવું ખૂબ જ કઠિન હોય છે.

પોલીસ મથકમાં થોડો સમય રહ્યા બાદ વિશ્વાસ જીત્યા પછી જ શ્વાન તેમની સાથે આવ્યા હતા. રોટવિલર જેનું નામ રોક્સી છે અને પગ જેનું નામ સ્કૂબી છે, તેમણે પહેલા દિવસે કંઈ ખાધું-પીધું નહોતું અને માત્ર ખોળામાં જ બેસી રહ્યા હતા. જોકે, બીજા દિવસે તેમણે જમવાનું શરૂ કર્યું હતું. પાણીગેટ પોલીસની આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસમાં અબોલ જીવો પ્રત્યે કેટલી કરુણા રહેલી છે.