Surat LRD Exam 2026: ગુજરાતમાં આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ છે ત્યારે સુરતમાં આવેલા સેન્ટરો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાખી વરદી ધારણ કરવા નીકળેલા ઉમેદવારો જ્યારે મુશ્કેલીમાં મુકાયા ત્યારે સુરત પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે-સાથે આ પરીક્ષાર્થીઓની મદદે આવી હતી. ક્યાંક ઉમેદવારને સમયસર સેન્ટર પર પહોચાડ્યા તો ક્યાંક ઉમેદવારને કોલ લેટર કાઢી આપી તેઓની વર્ષોની મહેનત પાણીમાં જતા બચાવી હતી.
પરીક્ષાના સેન્ટર વિદ્યા ભારતી સ્કુલ સુધી પહોચાડ્યો હતો
પહેલો કિસ્સો, સુરતમાં એલઆરડીની પરીક્ષા આપવા આવેલા એક પરીક્ષાર્થીને કોલ લેટર મળતો ન હતો જેથી તે મુશ્કેલીમાં મુકાયો હતો. વળી આજે રવિવારનો દિવસ હોય અને ઝેરોક્ષની દુકાનો પણ બંધ હોય આ પરીક્ષાર્થી મુશ્કેલીમાં મુકાયો હતો.
આ દરમ્યાન આ મામલો ખટોદરા પોલીસના ધ્યાને આવ્યો હતો અને ખટોદરા પોલીસ આ પરીક્ષાર્થીની મદદે આવી હતી. ખટોદરા પોલીસની ટીમે સમય બગડ્યા વિના તાત્કાલિક આ વિદ્યાર્થીને કોલ લેટર ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી ડાઉનલોડ કરી કઢાવી આપ્યો હતો એટલું જ નહી તાત્કાલિક તેના પરીક્ષાના સેન્ટર વિદ્યા ભારતી સ્કુલ સુધી પહોચાડ્યો હતો.
આ પણ વાંચો

પોલીસે કોલ લેટર કાઢી આપ્યો
બીજો કિસ્સો પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભૂલકા વિહાર સ્કૂલે પહોચેલા પરીક્ષાર્થીને ધ્યાને આવ્યું કે તેનું કોલ લેટર રસ્તામાં પડી ગયું છે. આ વાતની જાણ તેને પરીક્ષાના સેન્ટર પર પહોચ્યા બાદ થઇ હતી જેથી તે ચિંતામાં મુકાયો હતો. બીજી તરફ ત્યાં હાજર રહેલી પાલ પોલીસની ટીમને આ વાત ધ્યાને આવી હતી.
પાલ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક આ પરીક્ષાર્થીની મદદે આવી હતી. પોલીસ આ પરીક્ષાર્થીને પોલીસની ગાડીમાં પાલ પોલીસ મથકે લઇ ગઇ હતી અને તેના મોબાઈલમાં રહેલો કોલ લેટરની કોપી કઢાવી હતી અને બાદમાં તુરંત જ તેને પોલીસની જ ગાડીમાં પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોચાડી દીધો હતો.
ખોટા સેન્ટરેથી સાચા સેન્ટરે પરીક્ષાર્થિનીને પહોંચાડી
આવો જ ત્રીજો કિસ્સો રાંદેર વિસ્તારમાં સામે આવ્યો હતો. એક વિદ્યાર્થિની ભૂલથી એમ. એમ. મુલ્લા એન્ડ એમ. એ. નાના ગર્લ્સ હાઇસ્કુલ (બોટાલાવાલા માર્ગ, રાંદેર) ખાતે પહોંચી ગઈ હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેનું સાચું કેન્દ્ર એમ. એ. ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ (ગોરાટ) ખાતે છે, ત્યારે તે ચિંતામાં મુકાઈ ગઇ હતી.

સમયનો અભાવ અને ત્યાં સામાન્ય વાહનમાં પહોચવું મુશ્કેલ હોય આ સમયે ત્યાં તૈનાત પોલીસ અને PCR વાન (પોલીસ કંટ્રોલ રૂમ) ના જવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થિનીને પીસીઆર વાનમાં બેસાડી, પાયલોટિંગ કરીને ગણતરીની મિનિટોમાં રાંદેરથી ગોરાટ સેન્ટર પર પહોંચાડી દીધી હતી.
18 કિ.મી. દૂર સેન્ટરે વિદ્યાર્થિનીને પોલીસ વાનમાં પહોંચાડાઇ
ચોથો કિસ્સો એક વિદ્યાર્થીની ભૂલથી લસકાણા જે.બી. કાર્પ વિદ્યાસંકુલ ડાયમંડ નગરની જગ્યાએ ડીંડોલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ આવી પહોચી હતી જોકે, ત્યાં કેન્દ્ર પર ચેકિંગ દરમિયાન તેને ખબર પડી કે તેનું અસલી પરીક્ષા કેન્દ્ર તો અહીંથી આશરે 18 કિલોમીટર દૂર કામરેજ રોડ પર આવેલા લસકાણાની જે.બી. કાર્પ વિદ્યાસંકુલ છે.
આ દરમ્યાન ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક આ વિદ્યાર્થીનીની મદદે આવી હતી અને પોલીસની ગાડીમાં જ તાત્કાલિક 18 કિલોમીટર દુર આ વિદ્યાર્થીનીને સ્કુલ પર પહોચાડી હતી. તેણે પોલીસની આભાર પણ વ્યક્ત કર્યો હતો. આમ એલઆરડીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને સુરત પોલીસે બંદોબસ્ત જાળવવા સાથે સમયસર તેને સેન્ટર પર પહોચાડી તેમજ જરૂરી મદદ કરીને આ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પાણીમાં જતી બચાવી હતી.
