Vadodara News: સાવલીના ગુતરડીમાં ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું: બે સગા ભાઈઓની અટકાયત

ગેરકાયદેસર નશીલા પદાર્થનું વાવેતર કરવાના આ ગુનામાં પોલીસે ગુતરડી ગામના જ ખેડૂત અને સગા ભાઈઓ એવા નરવત ભૂલાભાઈ પરમાર તથા લક્ષ્મણ ભૂલાભાઈ પરમારની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 01 Jun 2026 03:47 PM (IST)Updated: Mon, 01 Jun 2026 03:47 PM (IST)
vadodara-news-illegal-cannabis-cultivation-busted-in-savli-two-brothers-arrested

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુતરડી ગામમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં અન્ય પાકની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના લીલા છોડના મસમોટા જથ્થા સાથે પોલીસે બે ઇસમોની અટકાયત કરી છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. 9.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીના આધારે પોલીસે ખેતરમાં રેડ પાડી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુતરડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં કપાસ અથવા અન્ય કાયદેસરના પાકની આડમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે કોઈ પણ જાતની સહેજ પણ શંકા ગયા વિના ગુતરડી ગામના સંબંધિત ખેતરમાં અચાનક દરોડો પાડ્યો હતો.

FSLની ટીમ દ્વારા ખરાઈ કરવામાં આવી

તપાસ દરમિયાન ખેતરમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલા છોડ મળી આવ્યા હતા. એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક એફ.એસ.એલ. (FSL) ની ટીમને સ્થળ પર બોલાવીને આ છોડની વૈજ્ઞાનિક તપાસ કરાવી હતી. એફ.એસ.એલ. દ્વારા ખરાઈ કરવામાં આવતા આ છોડ પ્રતિબંધિત ગાંજાના હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ખેતરમાંથી કુલ 23 નંગ ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન 9.800 કિલોગ્રામ થવા જાય છે. બજાર કિંમત અનુસાર આ જથ્થાની કુલ કિંમત રૂ. 9.90 લાખ આંકવામાં આવી છે.

બે સગા ભાઈઓની પોલીસે કરી અટકાયત

ગેરકાયદેસર નશીલા પદાર્થનું વાવેતર કરવાના આ ગુનામાં પોલીસે ગુતરડી ગામના જ ખેડૂત અને સગા ભાઈઓ એવા નરવત ભૂલાભાઈ પરમાર તથા લક્ષ્મણ ભૂલાભાઈ પરમારની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનો નોંધી આ બંને શખ્સો આ ગાંજાનો જથ્થો ક્યાં સપ્લાય કરવાના હતા અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં ડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આગળની સઘન તપાસ શરૂ કરી છે.