વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી 55 વર્ષીય રિક્ષાચાલક રાજુભાઈ ઠાકોરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પરિવારના આક્ષેપ બાદ અટલાદરા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 03:45 PM (IST)Updated: Sat, 20 Jun 2026 03:45 PM (IST)
vadodara-rickshaw-driver-suicide-moneylender-harassment-case

Vadodara News: વડોદરા શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં વધુ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રિક્ષાચાલક રાજુભાઈ ઠાકોરે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રીક્ષા ચાલકે આપઘાત કરી લીધો

મળતી માહિતી મુજબ, ગત 17 જૂને અટલાદરાના કલાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રાજુભાઈએ જીવનલીલા સંકેલી લેવાના ઈરાદે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સઘન સારવાર છતાં ગત રોજ તેમનું કરુણ અવસાન થયું હતું. રાજુભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પરિવારના ગંભીર આક્ષેપો

મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, રાજુભાઈએ માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી અંદાજિત 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી નિયમિતપણે વ્યાજ ચૂકવી રહ્યા હતા, પરંતુ આ વખતે વ્યાજ ચૂકવવામાં થોડો વિલંબ થતાં વ્યાજખોરે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી.

વ્યાજખોર દ્વારા રાજુભાઈને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. પુત્રે આ મામલે ન્યાયની માંગ કરી છે અને વ્યાજખોર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સરકાર અને પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખી છે.

પોલીસ તપાસ શરૂ

આ સમગ્ર મામલે અટલાદરા પોલીસે પરિવારની ફરિયાદના આધારે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવશે.