Vadodara News: વડોદરા શહેરમાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ મુલાકાતે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ.203 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મનીષા વકીલ, દંડક બાલુ શુક્લ, શહેર અને જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદ ડૉ. હેમાંગ જોષી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધન દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગલીએ-ગલીએ ટીકાખોરોની સંખ્યા વધી ગઈ છે. ટીકાખોરો જો તમારી સામે આવે તો તેમને કામ આપો જેથી સમાજનું ભારણ ઉઠાવવાનું શું હોય છે તેનો અનુભવ તેમને થાય. તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્ટેજ પર બેસવું હોય તો ગાળો પણ સાંભળવી પડે, પરંતુ માત્ર ટીકા કરવાથી વિકાસ થતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીકાખોરોએ તો સફાઈ કર્મચારીઓને પણ છોડ્યા નથી. જો તેમને વિકાસ અને સ્વચ્છતા જોવી હોય તો જ્યાં ભાજપ સિવાયની સરકારો છે ત્યાં જઈને સ્થિતિ જોવી જોઈએ. અન્ય રાજ્યોની સ્થિતિ જોતા ગુજરાતમાં થયેલા વિકાસનો ખ્યાલ આવશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર વડોદરાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને મુખ્યમંત્રીએ પણ શહેરને અનેક પ્રોજેક્ટ સ્વરૂપે ભેટો આપવા માટે તેમને મોકલ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં આશરે 70 ટકા લોકો શહેરોમાં વસવાટ કરશે, જેના કારણે શહેરોમાં ભારણ વધશે. તેથી સરકાર વધુમાં વધુ સુવિધાઓ ઉભી કરવા માટે પ્રયત્ન કરી રહી છે. સુરસાગર લેક ખાતે દરરોજ આરતી, ફાઉન્ટેન શો અને લાઈટિંગ શો સહિતના વિકાસ કાર્યો માટે આશરે રૂ.40 કરોડ ખર્ચવામાં આવશે. ઉપરાંત ન્યાયમંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અંતમાં તેમણે ‘ટીમ વડોદરા’ને પડકાર આપતા કહ્યું કે સૌ સાથે મળીને વડોદરાને સુરત અને અમદાવાદ કરતાં વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકબીજા પર કીચડ ઉછાળવાને બદલે શહેરને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં કામ કરવાની જરૂર છે.
વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો અને તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને જનહિતના પ્રકલ્પોને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી તરીકે હર્ષ સંઘવીએ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલા ડી કેબીન વિસ્તારમાં નવા નિર્માણ પામેલા મંદિરમાં યોજાયેલા મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત માતા, ખાટુ શ્યામ અને સાંવરિયા શેઠ ભગવાનની મૂર્તિઓનું વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભવ્ય કળશયાત્રામાં પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ધાર્મિક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને ભારત માતાના ચરણોમાં વંદન કર્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રેલવેનું અસ્તિત્વ પણ ન હતું તે સમયથી અહીં સ્વયંભૂ પ્રકટ થયેલા શિવજી વિસ્તારના લોકો પર આશીર્વાદ વરસાવતા આવ્યા છે. તેમણે કહ્યું કે, આ મંદિર વિસ્તારની આસ્થાનું સૌથી મોટું કેન્દ્રબિંદુ છે. અહીં રહેતા પરિવારો દ્વારા દર મહિને એક-એક રૂપિયો ભેગો કરીને મંદિરનું જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું છે, જે વિસ્તારની એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.

આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ વડોદરા પાલિકાના અંદાજે 200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. સાથે જ વડોદરા લોકસભાના સાંસદ હેમાંગ જોષીના AI આધારિત MP ઓફિસ ઈ-પોર્ટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ ફેઝ-2ના બાંધકામનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સમાજની દીકરીઓ કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે તેમની ટીકા કરવાના બદલે તેમની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ બનીને સાથે ઊભા રહેવું જોઈએ. જો સમાજ વિચાર બદલશે તો કોઈ પણ યુવક દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં કરે.
તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ નામ બદલીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર તેને છોડશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા કેટલાક બનાવો સામે આવ્યા છે, જેમાં પોલીસે અનેક દીકરીઓને બચાવી છે.
આ ઉપરાંત હર્ષ સંઘવીએ શહેર ભાજપ પ્રમુખને જણાવ્યું હતું કે વડોદરાના વિકાસ માટે કોઈપણ નવા આયોજન સાથે આગળ આવશે તો રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ માટે 25 લાખ રૂપિયાની ત્વરિત સહાય આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
