Vadodara: સમા કેનાલ નજીક ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ, PSIએ જાહેરમાં લાફાવાળી કરતાં ઉગ્ર ઘર્ષણ

અમે દંડ ભરવા માટે તૈયાર હતા, છતાં પોલીસે વાહન ડિટેઇન કરવાનો આગ્રહ રાખ્યો હતો. એટલું જ નહીં, મને એક નહીં પરંતુ ચાર-પાંચ લાફા મારવામાં આવ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 06:39 PM (IST)Updated: Fri, 19 Jun 2026 06:39 PM (IST)
vadodara-news-clash-between-traffic-police-and-motorist-near-sama-canal

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે આજે 19 જૂને શહેરના સમા કેનાલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને બાદમાં PSI દ્વારા વાહનચાલકને લાફો મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

વાહન ઑવરલોડ હોવાના કારણે ટ્રાફિક પોલીસે ચાલકને રોક્યો હતો

સમા કેનાલ નજીકથી પસાર થઈ રહેલા એક વાહનચાલકને ટ્રાફિક પોલીસે ઓવરલોડ હોવાના કારણે રોક્યો હતો. દંડની કાર્યવાહી બાદ પોલીસે વાહન ડિટેઇન કરવાની વાત કરતા મામલો ગરમાયો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

 

 

આ દરમિયાન સ્થળ પર હાજર PSI એ આવેશમાં આવીને વાહનચાલકને જાહેરમાં થપ્પડ ઝીંકી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં પોલીસની કાર્યશૈલી સામે રોષ જોવા મળી રહ્યો છે.

હું દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસે લાફા મારી દીધા

પીડિત વાહનચાલકે આક્ષેપ કર્યો છે કે, અમે દંડ ભરવા માટે તૈયાર હતા, છતાં પોલીસે વાહન ડિટેઇન કરવાનો આગ્રહ રાખ્યો હતો. એટલું જ નહીં, મને એક નહીં પરંતુ ચાર-પાંચ લાફા મારવામાં આવ્યા છે, જેમાંથી માત્ર એકનો જ વીડિયો સામે આવ્યો છે. વાહનચાલકે પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ આ મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.