Loading...

Vadodara News: મારે ભણવું નથી… કહી ઘર છોડનાર 14 વર્ષની કિશોરી હવસખોરની ચુંગાલમાં ફસાઈ, લગ્નની લાલચે દુષ્કર્મ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એક 14 વર્ષની સગીરા સાથે લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ ગુજારવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 04 Jan 2026 10:42 PM (IST)Updated: Sun 04 Jan 2026 10:42 PM (IST)
vadodara-news-14-year-old-girl-who-left-home-saying-she-didnt-want-to-study-fell-into-the-clutches-of-a-lustful-man-raped-for-the-sake-of-marriage-668162

Vadodara: વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એક 14 વર્ષની સગીરા સાથે લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ ગુજારવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ભણતરના ભાર અને કંટાળાને લીધે ઘર છોડીને નીકળેલી આ કિશોરીને મદદના બહાને મળેલો નરાધમ તેને અરવલ્લી લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. મકરપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ચિઠ્ઠી લખીને મધરાતે ઘર છોડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20મી તારીખના રોજ આ સગીરાએ પોતાના પરિવાર માટે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે- મારે હવે ભણવું નથી, તમારી જોડે પણ રહેવું નથી, હું મારી મરજીથી જાઉં છું, શાળામાંથી મારું એલ.સી. કઢાવી લેજો. આ ચિઠ્ઠી મૂકીને કિશોરી ઘર છોડી નીકળી ગઈ હતી. દીકરી ગુમ થતા જ હેબતાઈ ગયેલા પરિવારજનોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ટ્રકમાં બેસાડી શામળાજી લઈ ગયો
તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સની મદદથી કિશોરીનું લોકેશન અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવ્યું હતું. કિશોરીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ઘર છોડ્યા બાદ તેની મુલાકાત મયૂર અળખાભાઈ કટારા (રહે. જેસીંગપુર, ભિલોડા) સાથે થઈ હતી. મયૂર કટારાએ કિશોરીને લગ્નની લાલચ આપી ફોસલાવી હતી અને તેને ટ્રકમાં બેસાડીને શામળાજી લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચરી ભિલોડા મૂકીને ફરાર થયો
આરોપી મયૂર સગીરાને પોતાના વતન લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસ તપાસનો ગાળિયો ભીંસાતા ડરી ગયેલો આરોપી કિશોરીને ભિલોડા પોલીસ સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. વડોદરા પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને અરવલ્લી મોકલી હતી અને આરોપી મયૂર કટારાને દબોચી લીધો હતો.

પોક્સો હેઠળ કડક કાર્યવાહી
કિશોરી સગીર હોવાને કારણે પોલીસે આ કેસમાં POCSO એક્ટ અને દુષ્કર્મની ગંભીર કલમોનો ઉમેરો કર્યો છે. હાલમાં કિશોરીને સુરક્ષિત આશ્રય સ્થાન પર મોકલી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.