Loading...

લગ્નની લાલચે લાખોની છેતરપિંડી: લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધારને મકરપુરા પોલીસે દબોચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી આરોપીએ છેતરપિંડી કરી હતી, આ કેસમાં બે શખ્સની ધરપકડ થઈ ગઈ છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 12 Jan 2026 01:02 PM (IST)Updated: Mon 12 Jan 2026 01:02 PM (IST)
bride-robber-gang-main-accused-arrested-by-makarpura-police-in-vadodara-672786
HIGHLIGHTS
  • લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર વડોદરાથી ઝડપાયો
  • મકરપુરા પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ
  • સુરેન્દ્રનગરના યુવક સાથે કરી હતી લાખોની છેતરપિંડી

Robber bride Gang: સુરેન્દ્રનગર જિલ્લાના યુવક સાથે લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને વડોદરાની મકરપુરા પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં અગાઉ ગેંગના બે સભ્યોની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે લૂંટેરી દુલ્હન સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરનો યુવક સાથે બન્યો કિસ્સો

પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી સોનાલીબેનનું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં રહેતા તારાબેન ભલગામાના દીકરા લાલજી મનસુખભાઈ ભલગામા સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન પહેલાં નોટરાઇઝ સોગદનામું તેમજ લગ્ન સંબંધિત સમજૂતી કરાર પણ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેન્દ્ર પ્રજાપતિ, નાજીર, શરીફાબેન બચુભાઈ મુસ્લિમ તથા તોસીફ બચુભાઈ મુસ્લિમ સામેલ હતા.

યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

આ આરોપીઓએ લગ્નની વ્યવસ્થા અને સંબંધિત ખર્ચના નામે યુવક અને તેના પરિવાર પાસેથી રોકડ તથા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 3.28 લાખ વસૂલ્યા હતા. ઉપરાંત સોના-ચાંદીના દાગીના, અન્ય રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ મળીને રૂ. 3.75 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી.

દાગીના અને રોકડ લઈ દુલ્હન રફુચક્કર

લગ્ન બાદ આરોપીઓએ સોનાલીને એકવાર સાસરીમાંથી પિયરમાં લઈ ગયા હતા. આ દરમિયાન દુલ્હન સાસરીમાંથી દાગીના અને રોકડ રકમ પણ સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ સોનાલીને પરત સાસરીમાં મોકલવામાં આવી નહોતી અને યુવક તથા તેના પરિવાર સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.

ગેંગના મુખ્ય સુત્રધાર ધરપકડ

આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લગ્નની લાલચ આપી છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે. ગોરાડ ગામ, પ્રજાપતિવાસ, તાલુકો-જિલ્લો મહેસાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

અગાઉ બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

આ ઘટનામાં અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી અને શરીફાબેન બચુભાઈ સંધીની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ, હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ અને નજીરભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરી છે અને વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરી છે.