Bride absconds with jewelry-cash: ગાંધીનગરના એક યુવક સાથે લગ્નની આડમાં 11.30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ચકચારભર્યા બનાવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની યુવતી લગ્નવિધિ પૂર્ણ કર્યા બાદ દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે બાકોર પોલીસ મથકે કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
લગ્નઈચ્છુક યુવકને થયો કડવો અનુભવ
ગાંધીનગરના મોટા ઇસનપુર વિસ્તારમાં રહેતા રિકેશકુમાર પટેલ લગ્ન માટે કન્યાની શોધમાં હતા. આ દરમિયાન પોયડાના જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણનો સંપર્ક થયો હતો. તેણે ખાનપુર તાલુકાના કુંભાયડી ગામની જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન નક્કી કરાવ્યા હતા. લગ્ન પૂર્વે સગાઈ, કપડાં અને જમણવારના નામે રિકેશકુમાર પાસેથી ટુકડે-ટુકડે મોટી રકમ વસૂલવામાં આવી હતી.
સોના-ચાંદીના દાગીના, રૂ. 2.15 લાખ રોકડા આપ્યા
16 જાન્યુઆરીના રોજ રિકેશકુમાર પરિવાર સાથે જાન લઈને મહિસાગર જિલ્લાના પાંડરવાડા પહોંચ્યા હતા. ત્યાંથી તેમને ઝેર સીમલા ભાઠોડ ગામ નજીકના જંગલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જ્યોતિને દુલ્હન તરીકે તૈયાર કરી ખોટી રીતે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. લગ્ન સમયે રિકેશકુમારના પિતાએ સોના-ચાંદીના દાગીના પહેરાવ્યા હતા, તેમજ રૂ. 2.15 લાખ રોકડ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
લગ્નવિધિના તરત બાદ ફરાર થઈ દુલ્હન
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે આરોપીઓએ “માતાજીના દર્શન કરીને જ્યોતિને લઇ જજો” તેમ કહી દુલ્હનને ઇકો ગાડીમાં બેસાડી હતી. ત્યારબાદ રિકેશકુમારના પરિવારજનોએ ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી ફરાર થઈ ગયા હતા અને તમામના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.
બાકોર પોલીસ મથકે કુલ સાત શખ્સો સામે ફરિયાદ
પછી સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સમજાતા રિકેશકુમારે જ્યોતિબેન, જયરાજસિંહ, રાકેશભાઈ સહિત અન્ય સાગરીતો સામે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ ‘લૂંટેરી દુલ્હન’ અને તેના સાગરિતોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી છે. અગાઉ પણ આણંદ જિલ્લામાં આવી ગેંગ ઝડપાઈ હતી, જેણે અનેક લોકોને ભોગ બનાવ્યા હતા.
