Vadodara EVM Checking: વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે યોજાય તે હેતુથી આજે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું (EVM) ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા EVM બનાવતી કંપનીના અધિકારીઓ સાથે સંકલન સાધી આ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
EVMનું પ્રથમ લેવલ ચેકિંગ અને તકનિકી તપાસ
શહેરના દક્ષિણ ઝોનની કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન EVMની તકનિકી તપાસ, કાર્યક્ષમતા અને સુરક્ષા સંબંધિત તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચકાસણી કરવામાં આવી. પાલિકાના આશરે 40 કર્મચારીઓ કંપનીના એન્જિનિયરો સાથે મળીને EVMની વિગતવાર તપાસમાં સહભાગી બન્યા હતા.

BEL કંપનીના એન્જિનિયરો દ્વારા તપાસ
આ સમગ્ર પ્રક્રિયા અંગે વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. રાજપૂતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર મહાનગરપાલિકા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM સંપૂર્ણ રીતે કાર્યક્ષમ અને નિર્ભૂલ રહે તે માટે BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ) કંપનીના એન્જિનિયરો દ્વારા પ્રથમ લેવલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: WPL Final: વડોદરામાં આજે WPL ફાઇનલ, મલાઈકા અરોરા અને તલવિંદરસિંગનું ધમાકેદાર પરફોર્મન્સ થશે
મહાનગરપાલિકાનો સ્ટાફ પણ તૈનાત
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત ચૂંટણી પંચ દ્વારા BEL ના કુલ 10 એન્જિનિયરોને વડોદરામાં FLC કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. આ એન્જિનિયરોને મદદરૂપ થવા માટે પાલિકાનો 30થી 40 સભ્યોનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. આ કામગીરી સતત ચાર દિવસ સુધી ચાલશે, જેમાં તમામ ઉપલબ્ધ EVMની વિગતવાર તપાસ કરવામાં આવશે.
આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સમયસર તૈયારીઓ શરૂ થવાથી આગામી ચૂંટણી પ્રક્રિયા વધુ સુગમ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય. EVM ચેકિંગની શરૂઆત સાથે જ શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાવા લાગ્યો છે. આગામી દિવસોમાં અન્ય ચૂંટણીલક્ષી કામગીરી પણ તબક્કાવાર શરૂ થવાની શક્યતા છે.
