Vadodara Demolition News: વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. રોડ રસ્તાઓ પર વધતા દબાણના કારણે વાહન વ્યવહાર અવરોધાય છે, અને અકસ્માતની ભીતિ સતત ઉભી થાય છે. આ વચ્ચે વડોદરા મહાનગરપાલિકા તંત્રએ ભૂતડીઝાંપાથી સંવેદનશીલ ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં કડક કાર્યવાહી
આજે સવારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં પહોંચતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણકારોએ વિરોધ કર્યો હતો, અને દબાણ શાખાની ટીમ સાથે રકઝક પણ થઈ હતી. પરંતુ પોલીસ દ્વારા સમજાવટ આપી પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળી લેવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કામગીરી દરમિયાન વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ કાફલા સાથે SRP ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આઠ જેટલા કાચા શેડ, ખાણીપીણીની લારીઓ અને અન્ય અનેક હંગામી દબાણો તોડી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
કાચા શેડ અને લારી-ગલ્લા સહીતના દબાણો દૂર કર્યા
દબાણ શાખાએ રસ્તા કિનારે ઉભા કરાયેલા ખાણીપીણીના ગલ્લા, ખાણી-પીણીની લારીઓ તેમજ ઠેકઠેકાણે ઉભા કરાયેલા કાચા શેડ સહીતના દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચાર ટ્રક જેટલો માલ-સામાન કબજે કરવામાં આવ્યો હતો. દબાણો હટતા જ મુખ્ય માર્ગ ખુલ્લા થતા વાહન ચાલકોને રાહત મળી હતી. સાથે જ ટ્રાફિકની સ્થિતિ સુધરતી જોવા મળી હતી.
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, એન્જિનિયરોએ EVM નું પ્રથમ લેવલ ચેકિંગ હાથ ધર્યું
ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે
કાર્યવાહી દરમિયાન અનેક સ્થાનિક લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા, અને આખી કામગીરીને તમાશાની જેમ નિહાળી હતી. જોકે પોલીસ સ્ટાફ અને એસઆરપી જવાનોએ ટોળાને દૂર રાખીને વ્યવસ્થા જાળવી હતી. પાલિકા તંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદે દબાણો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં પેટ્રોલિંગ હોવા છતાં અનેક વિસ્તારમાં ગેરકાયદે દબાણો ફરી ઉભા થઈ રહ્યા છે. છતાં આજે સંવેદનશીલ ગણાતા ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો.
