Loading...

IND vs NZ: કેવી રીતે પહોંચશો ભારત-ન્યૂઝીલેન્ડની મેચ જોવા કોટંબી સ્ટેડિયમ? વડોદરા પોલીસે રૂટ સમજાવતો ડ્રોન વીડિયો કર્યો રિલીઝ

ડ્રોન વીડિયોમાં સ્ટેડિયમ પહોંચવાનો માર્ગ, રૂટ A અને રૂટ B, જનરલ તેમજ VIP પાર્કિંગની જગ્યાઓ અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરવાના વિકલ્પ માર્ગોની સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 08 Jan 2026 12:02 PM (IST)Updated: Thu 08 Jan 2026 12:02 PM (IST)
india-vs-new-zealand-1st-odi-match-at-kotambi-stadium-route-guide-via-vadodara-police-drone-670193

IND vs NZ 1st ODI Match Vadodara: 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ વડોદરા નજીક આવેલા કોટંબી સ્ટેડિયમમાં રમાવાની છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીને કારણે મેચ ‘હાઉસફુલ’ થવાની શક્યતા છે. મેચના દિવસે ટ્રાફિકજામ ન સર્જાય અને દર્શકો સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ યોજના તૈયાર કરી છે.

સમગ્ર માર્ગનો ડ્રોન વીડિયો રિલીઝ કરવામાં આવ્યો

આ આયોજન અંતર્ગત પોલીસ દ્વારા ગોલ્ડન ચોકડીથી કોટંબી સ્ટેડિયમ સુધીના સમગ્ર માર્ગનો ડ્રોન વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ડ્રોન વીડિયોમાં સ્ટેડિયમ પહોંચવાનો માર્ગ, રૂટ A અને રૂટ B, જનરલ તેમજ VIP પાર્કિંગની જગ્યાઓ અને મેચ પૂર્ણ થયા બાદ પરત ફરવાના વિકલ્પ માર્ગોની સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. પોલીસનો ઉદ્દેશ એ છે કે મેચરસિકો ડ્રોન વીડિયોની મદદથી અગાઉથી માર્ગ સમજી લે અને કોઈ ગુંચવણ વિના આરામથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે.

સ્ટેડિયમમાં પ્રવેશ માટે સુવિધા ઉપલબ્ધ રહેશે

ડ્રોન વીડિયોમાં દર્શાવ્યા મુજબ, વડોદરાથી આવનાર દર્શકો ગોલ્ડન ચોકડીથી ગોલ્ડન ટોલનાકા તરફ આગળ વધશે અને ત્યાંથી સીધા કોટંબી સ્ટેડિયમ પહોંચશે. સ્ટેડિયમ નજીક પહોંચ્યા બાદ સૌથી પહેલા જમણી બાજુ જનરલ પાર્કિંગ આવશે, જ્યારે મુખ્ય રોડ પર આગળ વધતા જમણી બાજુ VIP પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જનરલ અને VIP બંને પાર્કિંગમાંથી સ્ટેડિયમમાં પ્રવેશ માટે સુવિધા ઉપલબ્ધ રહેશે.

મેચ પૂર્ણ થયા બાદ દર્શકો સ્ટેડિયમમાંથી બહાર નીકળીને ગોલ્ડન ચોકડી તરફ જઈ શકશે અને ત્યાંથી વડોદરા પરત ફરી શકશે. ઉપરાંત, ડ્રોન વીડિયોમાં વૈકલ્પિક માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. ગોલ્ડન ચોકડી પહેલા ડાબી બાજુ કુમેઠા ગામ તરફ વળીને, આગળ સિકોતર માતાનું મંદિર આવ્યા બાદ જમણી બાજુ વળી સીધા આગળ જતા આજવા ચોકડી પહોંચાશે, જ્યાંથી વડોદરા જવા સરળ રહેશે.

હાલોલ–વડોદરા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર

આ દરમિયાન વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ. પટેલે હાલોલ–વડોદરા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 11 જાન્યુઆરીના સવારે 10 વાગ્યાથી લઈને મેચ પૂર્ણ થાય ત્યાં સુધી હાલોલ તરફથી વડોદરા તરફ આવતા તમામ વાહનોને મુખ્ય રોડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. આ વાહનોને જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ, રસુલાબાદ, રવાલ, જેસંગપુરા પાટીયા, નિમેટા પાટીયા, સિકંદરપુરા પાટીયા અને આજવા ચોકડી મારફતે વડોદરા આવવાનું રહેશે. પોલીસ દ્વારા જાહેર કરાયેલ ડ્રોન વીડિયો અને ટ્રાફિક આયોજનથી મેચરસિકો નિર્વિઘ્ન અને આનંદપૂર્વક મેચની મજા માણી શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.