Vadodara bicycle accident: વડોદરામાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત છે. દિવાળીપુરાના રાજીવનગર પાસે એક કારચાલકે રિવર્સ લેતી વખતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયકલ સવાર વૃદ્ધ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
રિવર્સ લેતા કારચાલકે વૃદ્ધને અડફેટે લીધા
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, પોશ વિસ્તાર ગણાતા દિવાળીપુરા વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝન પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉભેલી એક કારના ચાલકે અચાનક પોતાની ગાડી રિવર્સમાં લીધી હતી. જોકે, ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ફૂલ સ્પીડમાં પાછળ આવી હતી. અને સાયકલ સવાર વૃદ્ધને પોતાની અડફેટે લઈ લીધા હતા.
20 ફૂટ સુધી ઢસડાયા વૃદ્ધ સાયકલચાલક
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર વૃદ્ધને આશરે 20 ફૂટથી વધુ અંતર સુધી ઢસડી ગઈ હતી, અને અંતે ડિવાઈડર પર ચડી ગઈ હતી. કારચાલકની આ બેદરકારી અને અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચો: વડોદરામાં ક્રિકેટ રમીને ઘરે પરત ફરેલા યુવાનનું હીટ સ્ટ્રોકથી મોત, 3 વર્ષની માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી
ઈજાગ્રસ્ત સાયકલ ચાલક સારવાર હેઠળ
ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ માનવતા દાખવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, અને ઇજાગ્રસ્ત વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
અકોટા પોલીસની કાર્યવાહી અને તપાસ
આ ગંભીર ઘટનાની જાણ થતા જ અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકોટા પોલીસ સ્ટેશનના PI ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, માહિતી મળતા જ પોલીસની ટીમ રવાના કરવામાં આવી અને ઇજાગ્રસ્ત વૃદ્ધની તપાસ માટે એક ટીમ હોસ્પિટલ પણ મોકલવામાં આવી છે. હાલ પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને જવાબદાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
