Loading...

Vadodara News: વડોદરા ભાજપનો માસ્ટર પ્લાન! 'ભીષ્મ પિતામહો'ને આરામ, હવે યુવા શક્તિના હાથમાં કમાન્ડ

ભાજપે 60 વર્ષની વય મર્યાદા અને સગાવાદથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 05 Apr 2026 12:57 PM (IST)Updated: Sun 05 Apr 2026 12:57 PM (IST)
vadodara-bjp-election-ticket-criteria-no-repeat-theory-youth-focus-722058
HIGHLIGHTS
  • વડોદરા ભાજપનો માસ્ટર પ્લાન
  • 60 વર્ષની વયના નેતાઓ કપાશે
  • યુવા ચહેરાઓને આપશે અવસર

Vadodara BJP News: વડોદરામાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયાની વચ્ચે એક આંતરિક પત્રિકા વાયરલ થતા સ્થાપિત હિતોમાં ફફડાટ ફેલાયો છે. 

ભાજપની ટિકિટ માટે કડક માપદંડો

આ વખતે પાર્ટીએ 'નો-રિપિટ થિયરી' અને સગાવાદ મુક્ત રાજકારણ પર ભાર મૂકીને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. સોશિયલ મીડિયા પર લીક થયેલી માહિતી અનુસાર, ભાજપે ઉમેદવારો માટે અત્યંત લોખંડી માપદંડ નક્કી કર્યા છે.

  • વય મર્યાદા: 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં.
  • ટર્મ મર્યાદા: સતત ત્રણ ટર્મથી કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ કરતા સભ્યોને આ વખતે ફરજિયાત આરામ આપવામાં આવશે.
  • સગાવાદ પર પ્રતિબંધ: સંગઠનના હોદ્દેદારોના કોઈપણ સગા-સંબંધીને ટિકિટનો લાભ મળશે નહીં.

પક્ષના યુવા કાર્યકરોમાં આશા-ઉત્સાહ

આ પત્રિકા વાયરલ થતા જ વર્ષોથી સત્તા પર ટકી રહેલા વરિષ્ઠ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. અનેક નેતાઓ જેઓ પોતાના સંતાનો કે પરિવારજનો માટે લોબિંગ કરી રહ્યા હતા, તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ, પક્ષના પાયાના અને યુવા કાર્યકરોમાં આ નિર્ણયથી ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે તેઓ માને છે કે આનાથી સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર થશે.

શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્પષ્ટતા

આ વિવાદ અને વાયરલ પત્રિકા અંગે વડોદરા ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "પક્ષ હંમેશા શિસ્ત અને પારદર્શિતામાં માને છે". વધુમાં તેમણે કહ્યું કે 60 વર્ષની વય મર્યાદા અને સગાવાદથી દૂર રહેવાનો નિર્ણય સંગઠનને મજબૂત કરવા માટે છે. નવા અને ઉત્સાહી ચહેરાઓને તક આપીને વડોદરાના વિકાસને નવી ગતિ આપવી એ જ તેમનો મુખ્ય લક્ષ્ય છે.

આ સેન્સ પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે જ ભાજપે આ રીતે પોતાના પત્તાં ખોલી દેતા વિરોધ પક્ષોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક નિયમોના અમલીકરણ બાદ જૂના જોગીઓનો આક્રોશ પક્ષ કેવી રીતે ખાળશે અને યુવા બ્રિગેડ ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરશે.