NEET-UG Re-exam 2026: વડોદરામાં કડક સુરક્ષા વચ્ચે યોજાશે પરીક્ષા,  ઉમેદવારોની સુવિધા માટે રેલવે સજ્જ

વડોદરામાં 21 જૂન, 2026ના રોજ NEET-UGની પુનઃપરીક્ષા માટે અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવાઈ છે. NTAએ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યા છે અને પશ્ચિમ રેલવેએ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 12:32 PM (IST)Updated: Sat, 20 Jun 2026 12:32 PM (IST)
neet-ug-re-exam-2026-vadodara-centers-rules-special-trains

NEET-UG Re-exam 2026: દેશભરમાં ચર્ચિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGની પુનઃપરીક્ષા આવતીકાલે રવિવાર, 21 જૂન, 2026ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાને સંપૂર્ણ પારદર્શી, સુરક્ષિત અને ક્ષતિરહિત બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી તમામ કેન્દ્રોને 'હાઈ સિક્યુરીટી ઝોન' જાહેર કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પરીક્ષાના નિયમોમાં મહત્વના ફેરફાર

NTA દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. પરીક્ષાનો કુલ સમય 180 મિનિટથી વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરાયો છે. જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન અને અટેન્ડન્સનો સમય વિદ્યાર્થીઓના મુખ્ય પરીક્ષા સમયમાંથી ન કપાય.

ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના દાખલા ગણવા માટે રફ વર્કના પેજ 2થી વધારીને 4 કરવામાં આવ્યા છે. ડ્રેસ કોડ અંગે સ્પષ્ટતા કરતા NTAએ જણાવ્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર કે મંગળસૂત્ર જેવા ધાર્મિક પ્રતિકો પર પ્રતિબંધ નથી. પરંતુ આવા ઉમેદવારોએ વધારાની સુરક્ષા તપાસ માટે વહેલા પહોંચવાનું રહેશે.

રેલવેની વિશેષ તૈયારીઓ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ 'હેલ્પ ડેસ્ક' સ્થાપવામાં આવ્યા છે, જ્યાં રેલવે કર્મચારીઓ ટ્રેન કનેક્ટિવિટી અને અન્ય જરૂરી માહિતી પૂરી પાડશે. સ્ટેશનો પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને વડોદરામાં ત્રણ તથા આણંદ, ગોધરા, ભરૂચ અને ખેડા-નડિયાદમાં એક-એક વધારાના UTS કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.

ઉમેદવારોની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે બે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે:

• ટ્રેન નં. 09471 (બાંદ્રા ટર્મિનસ-મણિનગર સ્પે.): સુરત, ભરૂચ, વિશ્વામિત્રી અને આણંદ સ્ટેશનો પર સ્ટોપેજ.
• ⁠ટ્રેન નં. 09351 (બાંદ્રા ટર્મિનસ-ડૉ. આંબેડકર નગર સ્પે.): મધ્યપ્રદેશ અને પશ્ચિમ રેલવેના રૂટના વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાયરૂપ.

વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્ટેશન મેનેજમેન્ટ સાથે મળીને ટ્રેનોની સમયબદ્ધતા અને વિદ્યાર્થીઓની અવરજવર પર સતત નિરીક્ષણ કરશે. જેથી કોઈ પણ ઉમેદવાર પરીક્ષાથી વંચિત ન રહે. તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.