Vadodara NEET Re-Exam 2026: NEET-UG પેપર લીક વિવાદ બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરીથી યોજાઈ રહી છે. સમગ્ર દેશની સાથે વડોદરામાં પણ આ પરીક્ષાને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના 17 પરીક્ષા કેન્દ્રો પર કુલ 6048 વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનું નિર્ધારણ કરવા માટે પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત
પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ કેન્દ્રોને 'હાઈ સિક્યોરિટી ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થનાર હોવાથી વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ દ્વાર પર મેટલ ડિરેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરીને જ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અંદર ન જાય.

ડોક્યુમેન્ટ્સમાં ભૂલને લીધે વિદ્યાર્થીઓમાં દોડધામ
જોકે, પરીક્ષાના દિવસે ડોક્યુમેન્ટ્સને લઈને કેટલીક મૂંઝવણ જોવા મળી હતી. ફોર્મ અને આધાર કાર્ડમાં નામમાં વિસંગતતા હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ પાસે ઓરિજનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) માંગવામાં આવ્યું હતું સાથે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ફોટાની સાઈઝમાં ખામી હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પ્રવેશ મેળવવા માટે આ વિદ્યાર્થીઓએ ફરી ફોટો કઢાવવા માટે દોડધામ કરવી પડી હતી.

વિદ્યાર્થીની સાથે વાલી પર હેરાન થયા!
બોડેલીથી આવેલા એક વાલી સોહિલભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, "મારી દીકરીના ડોક્યુમેન્ટમાં નામમાં સામાન્ય તફાવત (બેન અને બાનુ) હોવાથી કેન્દ્ર પર ઓરિજનલ LC માંગવામાં આવ્યું હતું. અમે 100 કિમી દૂરથી આવ્યા છીએ, આવી ટેકનિકલ મુશ્કેલીને કારણે પરીક્ષા સમયે ભારે માનસિક તણાવ અનુભવવો પડ્યો છે.

વાલીઓમાં મિશ્ર લાગણીઓ જોવા મળી
વાલીઓનું કહેવું છે કે, ગઈ વખતે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ પેપર લીકની ઘટનાને કારણે ભારે નિરાશા સાંપડી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સમય બંને વેડફાયા હતા. આ વખતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષા પારદર્શક તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી અમારી મુખ્ય અપેક્ષા છે.
વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે કોઈ પણ કચાશ બાકી રાખવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પણ તમામ પ્રકારની ચકાસણીમાંથી પસાર થઈને કેન્દ્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જેથી તેઓ તણાવમુક્ત થઈને પેપર લખી શકે. આશા છે કે આ વખતે પરીક્ષા કોઈ પણ વિઘ્ન વગર સફળતાપૂર્વક પૂર્ણ થાય.
