NEET Re-Exam 2026: રાજકોટમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, પેપર લીક અંગે વિદ્યાર્થીઓએ શું કહ્યું?

રાજકોટમાં આજે NEET-UGની ફરીથી પરીક્ષા 12 કેન્દ્રો પર 5,330 વિદ્યાર્થીઓ આપશે, જેમાં પેપર લીક વિવાદને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ અગાઉની પરીક્ષા રદ થવા પર ચિંતા વ્યક્ત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 12:16 PM (IST)Updated: Sun, 21 Jun 2026 12:16 PM (IST)
neet-reexam-in-rajkot-strict-security-amid-paper-leak-row

Rajkot News: NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે દેશભરમાં ફરી યોજાવા જઈ રહી છે. રાજકોટના 12 પરીક્ષા કેન્દ્રો પરથી 5,330 વિદ્યાર્થીઓ ફરીથી આ પરીક્ષા આપશે. પેપર લીક વિવાદ બાદ આ વખતે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ડિજિટલ લોકવાળા પ્રશ્નપત્રો એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે લાવવામાં આવ્યા છે, જેને CISF અને સ્થાનિક પોલીસની કડક સુરક્ષા વચ્ચે કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ અટકાવવા માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે.

Rajkot NEET Exam1

વિદ્યાર્થીએ જણાવ્યો પોતાનો અભિપ્રાય

પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, "ત્રણ મહિના બાદ અમારી પરીક્ષા લેવાઈ હતી પણ તે કેન્સલ થતાં થોડી ચિંતા થઈ હતી. જોકે, ત્યારબાદ જે એક મહિનાનો સમય મળ્યો, તેનાથી અમને તૈયારી માટે વધારાનો સમય મળી ગયો. હવે અમે વધુ સારી તૈયારી સાથે સફળતા મેળવીશું."

Rajkot NEET Exam2

કચ્છની વિદ્યાર્થિનીએ વ્યથા ઠાલવી

ભુજ (કચ્છ)થી રાજકોટ પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિની જૂહી ગોસ્વામીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "પહેલી વાર પણ અમારી પરીક્ષા બહુ સારી ગઈ હતી, પણ પેપર લીક થવાને કારણે બધું નકામું ગયું. અમે આ પરીક્ષા માટે રોજના 12-12 કલાક મહેનત કરી છે. બે વર્ષની આકરી મહેનત બાદ ફરીથી આખો મહિનો તૈયારી કરવી પડી. સરકાર પાસે બસ એટલી જ આશા છે કે, આ વખતે પેપર કેન્સલ ન થાય અને રિઝલ્ટ સારું આવે."

Rajkot NEET Exam3

વિદ્યાર્થીની માતાએ ચિંતા વ્યક્ત કરી

જૂહીના માતા તૃપ્તિ ગોસ્વામીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, "પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ભારે માનસિક તણાવમાંથી પસાર થાય છે. અમારી બે વર્ષની મહેનત પાણીમાં ગઈ અને હવે ફરી પરીક્ષા અપાવવા આવ્યા છીએ. અમારો મોટો ડર એ જ છે કે ફરી આવું ન થાય.બાળકો સાથે અમારી મહેનત પણ જોડાયેલી છે. આ વખતે પારદર્શક પરિણામ આવે જેથી બાળકો ભવિષ્યમાં આગળ વધી શકે."

Rajkot NEET Exam4

પરીક્ષામાં પારદર્શિતા જળવાય-વિદ્યાર્થિની

અન્ય એક પરીક્ષાર્થી દુર્વિષા કાનજીભાઈ મખેલાએ જણાવ્યું કે, "હું એક નાના ગામડામાંથી આવું છું અને મારા પરિવારમાં કોઈ ડૉક્ટર નથી. મારું સપનું ડૉક્ટર બનવાનું છે, જેના માટે મેં અને મારા પરિવારે ઘણી મહેનત કરી છે. NTAને મારી એટલી જ વિનંતી છે કે આ રી-નીટ પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા સાથે લેવાય અને ફરી ક્યારેય પેપર લીક ન થાય."