Vadodara Political News: વડોદરાના રાજકારણમાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એક ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા તેમણે ટિકિટ વહેંચણી અને 'બહારના' ઉમેદવારો મુદ્દે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. જે બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
સ્થાનિક કાર્યકરોને પ્રાધાન્ય આપવા હિમાયત
એક ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પીઢ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કોઈ વિસ્તારમાં બહારની વ્યક્તિને લાવીને ટિકિટ આપવામાં આવે, તો તેનો વિરોધ કરવો જોઈએ અને લડત આપવી જોઈએ.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આપણે વર્ષોથી વિસ્તારમાં કામ કર્યું હોય, લોકસંપર્ક રાખ્યો હોય, તો તે વિસ્તારના સક્રિય કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ". આ નિવેદન દ્વારા તેમણે પક્ષના મોવડીમંડળને પણ આડકતરો સંકેત આપ્યો છે કે સ્થાનિક લાગણીને કોઈ પણ ભોગે અવગણવી ન જોઈએ.
ટિકિટ વહેંચણી સમીકરણ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા
ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યકરોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, "જો કોઈ સંજોગોમાં મહેનત કરવા છતાં કોઈ કાર્યકરને ટિકિટ ન મળે, તો મારી સાથે અબોલા ન રાખશો". આ સાથે તેમણે કાર્યકરોની નારાજગી ખાળવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ કર્યું કે ટિકિટ વહેંચણીમાં અનેક સમીકરણો હોય છે, પરંતુ તેના કારણે વ્યક્તિગત સંબંધો કે પક્ષ પ્રત્યેની નિષ્ઠા ડગમગવી જોઈએ નહીં.
આ પણ વાંચો: Vadodara: સાવલી ભાજપમાં ગાબડું, 100થી વધુ કાર્યકરોએ કેસરીયો ઉતારી કોંગ્રેસનો પંજો પકડ્યો
આ નિવેદનમાં વિરોધની વાત કરવાની સાથે યોગેશ પટેલે પોતાની શિસ્તબદ્ધતાનો પણ પરિચય આપ્યો હતો. તેમણે કાર્યકરોને ટકોર કરી કે અંતે તો આપણે પાર્ટીને જીતાડવા માટે જ કામ કરવાનું છે. ધારાસભ્ય તરીકે તેમણે પોતે પણ ખાતરી આપી હતી કે, પાર્ટી જે કોઈને પણ ઉમેદવાર તરીકે જાહેર કરશે, તેને જીતાડવા માટે તેઓ સંપૂર્ણ તાકાત લગાવી દેશે.
શહેર ભાજપમાં આંતરિક પ્રવાહોની અસર
ધારાસભ્ય યોગેશ પટેલનું આ નિવેદન એક તરફ સ્થાનિક કાર્યકરોનો ઉત્સાહ વધારનારું છે, તો બીજી તરફ તે વડોદરા ભાજપમાં ચાલી રહેલા આંતરિક પ્રવાહોને પણ છતા કરે છે. ચૂંટણી પહેલા 'સ્થાનિક વિરુદ્ધ બહારના' ના મુદ્દે તેમણે જે રીતે અવાજ ઉઠાવ્યો છે, તે આગામી દિવસોમાં ટિકિટ ફાળવણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
