Vadodara News: વડોદરા માટે ગૌરવસભર અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ, જે વર્ષોથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં વૈજ્ઞાનિક રીતે સંરક્ષિત રાખવામાં આવ્યા છે, હવે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવશે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ પવિત્ર અસ્થિઓ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાનાર વિશેષ પ્રદર્શન માટે મોકલવામાં આવશે, જ્યાં 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય જનતા માટે દર્શનાર્થે રાખવામાં આવશે. બુદ્ધના ઉપદેશો અને શાંતિના સંદેશને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવા માટે આ પ્રદર્શનનું વિશેષ મહત્વ છે.
આ મહત્વપૂર્ણ પ્રસંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ભગવાન બુદ્ધના અસ્થિઓને પુષ્પાંજલિ અર્પણ કરીને ઔપચારિક રીતે શ્રીલંકા માટે રવાના કરશે. આ વિદાય સમારંભમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, સાંસ્કૃતિક મંત્રાલયના પ્રતિનિધિઓ, એમ.એસ. યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ બૌદ્ધ સંપ્રદાયના આગેવાનો હાજર રહેશે.
આ પણ વાંચો
ઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગ દ્વારા આ અસ્થિઓનું વર્ષોથી સંશોધનાત્મક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સુરક્ષા અને સંભાળ રાખીને આ અસ્થિઓને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે.
શ્રીલંકામાં યોજાનાર આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભગવાન બુદ્ધ ભારતની ધરતી પર જન્મ્યા અને તેમના ઉપદેશો સમગ્ર એશિયામાં ફેલાયા, જેમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. આ પવિત્ર અસ્થિઓના દર્શનથી લાખો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા મળશે.
વડોદરામાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિઓનું આ વૈશ્વિક યાત્રા પર જવું, શહેર માટે ગૌરવની વાત છે અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સમક્ષ રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક પણ છે.
