Yoga And Fitness: 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં જોમ અને જુસ્સા સાથે ઉજવણી થશે. ગ્રામ્ય વિસ્તારોથી લઈ વિશ્વસ્તર સુધી આ દિવસે શાનદાર ઉજવણી કરવામાં આવશે. નાની વયના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકોમાં ફિટનેટ તથા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા માટે યોગને ઉત્તમ માધ્યમ બનાવી રહ્યા છે.
આ સંજોગોમાં વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય નટવરલાલ મિસ્ત્રી સૌને માટે એક પ્રેરણાસ્રોત બની ગયા છે. આ એક એવી વ્યક્તિ છે કે જેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે યોગને જીવનશૈલીનો વિશેષ ભાગ બનાવી દીધો હતો. એટલે કે ૮૪ વર્ષના નટવરલાલ મિસ્ત્રી આજે પણ યુવાનો જેવો જોમ અને જુસ્સો ધરાવે છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરાવવા બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરે છે.

પોતે યોગ કરે છે અને અન્યોને શીખવે છે
દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે એક કલાક યોગાભ્યાસ કર્યા બાદ તેઓ સાંજે નજીકના યોગ ક્લાસમાં જઈને લોકોને વિના મૂલ્યે યોગાસનો શીખવાડે છે. નટવરલાલ તો નિયમિત યોગ કરે જ છે, પરંતુ તેઓ તેમના પરિવારના તમામ સભ્યોને પણ યોગાભ્યાસ કરવા પ્રેરણા આપે છે. નિયમિત યોગથી થતા શરીરને અનેક પ્રકારના લાભોથી આકર્ષિત થઈને તેમના સ્વજનો પણ નિયમિત યોગાસનો કરવા લાગ્યા છે.
આ પણ વાંચો

યોગથી અનેક સન્માન મેળવી ચુક્યા છે
સાંસદ યોગ સ્પર્ધા-૨૦૨૩ માં ૬૦ વયજૂથમાં દ્વિતીય ક્રમાંક લાવીને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત નટવરલાલ મિસ્ત્રીએ યોગને માનવીના જીવનની મુખ્ય ધરોહર ગણાવતા યોગની મહત્તા અને તેનાથી શરીર અને મનને થતા દુર્લભ લાભો વર્ણવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, યોગ તન, મન અને શ્વાસને જોડીને અનેક લાભ કરાવે છે. તેમણે યોગને જીવન જીવવાની કળા કહી અન્ય લોકોને યોગને જીવનનો અતૂટ ભાગ બનાવવા અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગિક કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
