Vadodara: ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ બાદ વડોદરા જિલ્લાની બરોડા ડેરીની ચૂંટણીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 18 તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે તેવી જાહેરાત થતાં જ રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયા સાથે વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, બરોડા ડેરીની ચૂંટણી બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર પોતે નિયામક મંડળ હતું. તેમની ઇચ્છા હતી કે ચૂંટણી વહેલી આવે અને ડેરીના વહીવટમાં વહીવટદાર ન આવે. કારણ કે જો વહીવટદાર હેઠળ ચૂંટણી પ્રક્રિયા થાય તો નિયામક મંડળે તૈયાર કરેલા પ્લાન સફળ ન થાય અને તેમને ચૂંટણી જીતવી અઘરી બની જાય.
તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાવવામાં આવ્યા છે, તે સભાસદોની જાણ બહાર કરાયા છે. ડેરીના સુપરવાઇઝરો મારફતે ઠરાવો મંગાવ્યા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો. કાચી મતદાર યાદી ચૂંટણી જાહેર થયા બાદ પ્રસિદ્ધ થશે અને તેમાં જો કોઈ વાંધા કે પ્રશ્નો હશે તો તેને ગંભીરતાથી લેવામાં આવવા જોઈએ.
ચૂંટણી પ્રક્રિયામાં પેટા નિયમોનો ખૂબ દૂર ઉપયોગ થયો હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, ઝોનવાઈસ ચૂંટણીમાં આ પેટા નિયમોના કારણે સક્ષમ અને ડેરીના પશુપાલકોના હિત ઇચ્છતા ઉમેદવારો ચૂંટણી લડી નહીં શકે. જેના કારણે અમુક લોકો બિનહરીફ થઈ જશે તેવી શક્યતા છે. તેમ છતાં અ, બ અને વર્ગની મંડળીઓ ચૂંટણી લડી શકે તેવું પણ તેમણે ઉમેર્યું.
કેતન ઇનામદારે જણાવ્યું કે ખોટા ઠરાવોના આધારે જે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે તેમાં આવતા વાંધાઓને પ્રાથમિકતા સાથે જોવામાં આવે તે જરૂરી છે. બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું સાધન હોવાથી તમામ નિર્ણયો પશુપાલકોના હિતમાં લેવાય તે અનિવાર્ય છે. સભાસદોની સાચી સહમતિ સાથે ઠરાવો મોકલાયા છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.
અંતમાં તેમણે જણાવ્યું કે, ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય તેવી પારદર્શક અને ન્યાયી ચૂંટણી યોજાય અને હાઇકોર્ટના આદેશને શિરોમાન્ય રાખીને સમગ્ર પ્રક્રિયા આગળ વધે તેવી તેમની માંગ છે. ચૂંટણી પ્રક્રિયા પર અમારી પૂરેપૂરી નજર રહેશે તેમ કેતન ઇનામદારે સ્પષ્ટ કહ્યું.
