Loading...

Vadodara: અરવિંદ કેજરીવાલ-ભગવંત માન વડોદરા પહોંચ્યા, AAP કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત; આજે લીમખેડામાં ગજવશે સભા

લીમખેડામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 27 Mar 2026 09:37 AM (IST)Updated: Fri 27 Mar 2026 09:37 AM (IST)
arvind-kejriwal-bhagwant-mann-vadodara-visit-aap-limkheda-rally-gujarat-716273
HIGHLIGHTS
  • અરવિંદ કેજરીવાલ-ભગવંત માન વડોદરા પહોંચ્યા
  • AAP કાર્યકરોએ બંને નેતાઓનું કર્યું ભવ્ય સ્વાગત
  • બંને નેતાઓ આજે લીમખેડામાં ગજવશે એક સભા

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાત વિધાનસભાની આગામી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાત અંતર્ગત બંને AAP નેતા ગઈકાલે રાત્રે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલ-ભગવંત માન વડોદરામાં 

ગઈકાલે મોડી રાત્રે અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનના આગમનને પગલે વડોદરા એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉમટી પડ્યા હતા. 'ઈન્કલાબ ઝિંદાબાદ'ના નારા સાથે બંને AAP નેતાઓનું કાર્યકરોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

બંને નેતાઓ વડોદરા એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે પરિસરમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા ફૂલહાર અને સૂત્રોચ્ચાર સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પણ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પક્ષના સ્થાનિક હોદ્દેદારો સાથે ટૂંકી ચર્ચા

વડોદરા એરપોર્ટથી સીધા જ બંને મહાનુભાવો શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી હોટલ ખાતે રવાના થયા હતા. રાત્રિ રોકાણ દરમિયાન તેમણે પક્ષના સ્થાનિક હોદ્દેદારો સાથે ટૂંકી ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત અને આદિવાસી પટ્ટામાં પક્ષની પકડ મજબૂત કરવાનો છે.

આજે લીમખેડામાં જંગી જનસભા

આજના શિડ્યુલ મુજબ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે સવારે વડોદરાથી સીધા દાહોદ જિલ્લાના લીમખેડા જવા રવાના થશે. લીમખેડામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ આદિવાસી સમાજ માટેની વિવિધ ગેરંટી અને શિક્ષણ-સ્વાસ્થ્યના મુદ્દે જનતાને સંબોધિત કરશે.

ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો

અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી માનની આ મુલાકાતને લઈને મધ્ય ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી જે રીતે સક્રિય થઈ રહી છે, તે જોતા આગામી સમયમાં ચૂંટણી જંગ રસપ્રદ બનવાના સંકેત મળી રહ્યા છે. લીમખેડાની સભા બાદ બંને નેતાઓ ફરી વડોદરા પરત ફરી શકે છે અથવા અન્ય કાર્યક્રમમાં જોડાશે.