તાપીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો: ઉકાઈ નજીક 2.7 ની તીવ્રતાની ધ્રુજારીથી લોકોમાં ફફડાટ, તંત્ર દોડતું થયું

તાપી જિલ્લાના ઉકાઈ અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારે ૫:૦૧ વાગ્યે ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 07 Jun 2026 09:21 AM (IST)Updated: Sun, 07 Jun 2026 09:25 AM (IST)
tapi-ukai-earthquake-magnitude-2-7-gujarat

Tapi News: દક્ષિણ ગુજરાતમાં સમયાંતરે અનુભવાતા ભૂકંપના આંચકાના સિલસિલામાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. તાપી જિલ્લાના ઉકાઈ અને તેની આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ આંચકો હળવો હોવાના લીધે મોટી હોનારત ટળી છે.

5.01 વાગ્યે ધ્રુજી ઉઠી ધરતી, લોકો ભાગ્યા

ગાંધીનગર સ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ' (ISR) ના સત્તાવાર અહેવાલ મુજબ, આજે વહેલી સવારે 5:01 વાગ્યે આ ધરતીકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી.

જ્યારે મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકો ગભરાઈને જાગી ગયા હતા. ખાસ કરીને, સોનગઢ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોમાં નળિયાવાળા અને કાચા મકાનોમાં આંચકાની તીવ્ર અસર વર્તાઈ હતી. જેને પગલે કેટલાક પરિવાો સુરક્ષા ખાતર તાત્કાલિક ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

ઉકાઈથી 32 કિમી દૂર કેન્દ્રબિંદુ

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માહિતી મુજબ,આ હળવા આંચકાનું કેન્દ્રબિંદુ ઉકાઈથી આશરે 32 કિમી દૂર જમીનની અંદર નોંધાયેલ હતું. તીવ્રતા ઓછી હોવાના કારણે પાકા મકાનોને કોઈ નુકસાન થયું નથી કે ક્યાંય તિરાડો પડી હોવાના અહેવાલ નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉકાઈ ડેમની સુરક્ષા અંગે વહીવટી તંત્રની સ્પષ્ટતા

ગુજરાતની જીવાદોરી સમાન અને સૌથી મોટા જળાશયોમાંના એક એવા ઉકાઈ ડેમ ની નજીક આ આંચકો આવ્યો હોવાથી વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું.

તંત્રનો સત્તાવાર દાવો:

"ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમ સાઇટથી ઘણું દૂર હોવાથી અને તેની તીવ્રતા ઓછી હોવાના કારણે ઉકાઈ ડેમની હાઇડ્રોલિક સંરચનાને સહેજ પણ આંચકો લાગ્યો નથી. ઉકાઈ જળાશય સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે."

દક્ષિણ ગુજરાતના આ પટ્ટામાં અવારનવાર આવી નાની પ્લેટ મૂવમેન્ટ થતી રહે છે, જેથી નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.