Sumul Dairy Bonus News: સુમુલ ડેરીની મોટી જાહેરાત, સુરત-તાપીના પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર રૂ.120 બોનસ અપાશે

હવે સુમુલ ડેરી દ્વારા 120 રૂપિયા બોનસ આપવાની વાત કરી છે. જેનો ઉમેરો થતા પ્રતિ કિલો દીઠ રૂ. 1020 પશુપાલકોને મળશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 15 May 2026 12:59 PM (IST)Updated: Fri, 15 May 2026 12:59 PM (IST)
sumul-dairy-announces-rs-120-bonus-per-kg-fat-for-surat-and-tapi-cattle-farmers

Surat News: સુરત અને તાપી જિલ્લામા અંદાજીત અઢી લાખ જેટલા પશુપાલકો માટે સુમુલ ડેરીમાંથી સારા સમાચાર આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને બોનસ અંગેની મહત્વની જાહેરાત કરી છે. પુશપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય સુમુલ ડેરી દ્વારા કરવામાં આવ્યો છે. હવે પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1020 રૂ. સુમુલ ડેરી ચૂકવશે.

સુમુલ ડેરી દ્વારા ગયા નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ 870 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ, BCU (બલ્ક કુલિંગ યુનિટ) ફેટફેર પેટે રૂ. 30 આપવામાં આવ્યા હતા. ત્યારે હવે સુમુલ ડેરી દ્વારા 120 રૂપિયા બોનસ આપવાની વાત કરી છે. જેનો ઉમેરો થતા પ્રતિ કિલો દીઠ રૂ. 1020 પશુપાલકોને મળશે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ હોવાનું અને તેનાથી પશુપાલનના વ્યવસાયને વેગ મળશે તેમ સુમુલ ડેરી તંત્રનું કહેવું છે.

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયના પગલે કુલ 425 કરોડ રૂપિયાની આ માતબર રકમ પશુપાલકોને બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. આગામી જૂન મહિનામાં પશુપાલકોના બેંક ખાતામાં આ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. સંસ્થાના મજબૂત નેતૃત્વ અને પારદર્શક વહીવટને કારણે આટલું મોટું બોનસ આપવું શક્ય બન્યું હોવાનું મનાઇ રહ્યું છે.

સુમુલના પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આઝાદી કાળથી વડીલોના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યું છે કે તે પશુપાલકોના હિત માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે 1000 રૂપિયાથી વધુનો ભાવ મળવો એ પશુપાલકો માટે ગૌરવની વાત છે.

ભારત સરકારના 'સહકારથી સમૃદ્ધિ'ના સૂત્રને સુમુલ ડેરી સાર્થક કરી રહી હોવાનું જણાવતા જયેશ દેલાડએ ઉમેર્યું કે, અમૂલની સ્થાપના બાદ દક્ષિણ ગુજરાતમાં સુમુલનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. આજે અઢી લાખથી વધુ પરિવારોનું ગુજરાત ચલાવતી આ સંસ્થાની જે પ્રગતિ પાછળ પશુપાલકોએ પુરૂ પાડેલું મજબૂત નેતૃત્વ છે. આ ભાવફેર બોનસ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.