Uchchal-Nizar Highway Accident: તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો હતો. નિઝર સીમમાં બે બાઈક વચ્ચે સામસામે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ અને એક અન્ય બાઈક ચાલક સહિત કુલ 4 આશાસ્પદ યુવકોના મોત નીપજ્યા છે.
ટક્કર બાદ બાઈક સળગી ઉઠી
પ્રાપ્ત વિગતો અનુસાર, નિઝર ખાતેથી ધોરણ 12ની પરીક્ષા આપીને ગંગથા ગામના 3 યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે તેઓની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત બાદ તરત જ એક બાઈકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, અને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.
બનાવમાં ચાર યુવકોના કરુણ મોત
આ ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે ચોથા ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. એકસાથે ચાર યુવાનોના મોતથી હાઈવે રક્તરંજિત બન્યો હતો અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક યુવકોની ઓળખ અને ગામ
પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવાનો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના તેમજ અક્કલકુવાના રહેવાસી હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોમાં ગંગથાના 20 વર્ષીય અનિકેત રેહમાનસીંગ વસાવે અને 18 વર્ષીય અભિજીત મંગલસીંગ વસાવે છે. જ્યારે બોરીકુવા 18 વર્ષીય પિયુશ રાજુ વળવી અને જામઠી ગામના 21 વર્ષીય નારસિંગ સુનિયાભાઈ વળવીનું મોત થયું છે.
નિઝર પોલીસ દ્વારા કાર્યવાહી
અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અને ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ નિઝર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
