Surat News: તાપી જિલ્લાના ઉય્છલ તાલુકાના ભડભૂંજા ગામની સીમમાં ને.હા.નં. 53 પર બાઈક પર જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઈક ડીવાઈડર સાથે અથડાઈ જતા બંને પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર વિજય મધુકર પગારે બે વર્ષની બાળકી સહિતના પરિવાર સાથે રહેતો હતો. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાકી તાલુકાના પીપલનેર ખાતે ગોપાલનગરમાં રહેતો માસીનો દીકરો હર્ષલ પાંડુરંગભાઈ પગારે છેલ્લા બે મહિનાથી તેને ત્યાં રહેતો હતો. રવિવારે બંને પિતરાઈ ભાઈઓ બાઈક લઈને સોનગઢ તરફ કામ અર્થે જઈએ છીએ તેમ કહીને નીકળ્યા હતા.
દરમ્યાન રાત્રીના સમયે ઉચ્છલ તાલુકાની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે વખતે વિજય પગારે બાઈક ચલાવી રહ્યો હતો અને ભડભૂંજા ગામની સીમમાં ચાર રસ્તા પાસે બાઈક ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલા હર્ષલ પગારેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે વિજય પગારેને એમ્બ્યુલન્સમાં સોનગઢ સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું બંને પિતરાઈ ભાઈઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
