Tapi: નિઝરના ખોડદા ગામે ખેત મજૂર પર મધમાખીઓનો હુમલો, કપાસ વીણતો હતો ત્યારે અચાનક ઝૂંડ ચોંટી પડતા ચીસાચીસ કરી મૂકી

એમ્બ્યુલન્સના EMTએ ઈન્જેક્શન અને ઑક્સિજન આપીને યુવકના શરીર પરથી મધમાખીઓના કાંટા કાઢીને વધુ સારવાર અર્થે મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલમાં રિફર કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 05:32 PM (IST)Updated: Sun, 14 Dec 2025 05:32 PM (IST)
tapi-news-honey-bee-attack-on-farmer-at-khodada-village-of-nizar-taluka
HIGHLIGHTS
  • 108ની ટીમે સમયસર સારવાર આપતા શ્રમિકનો જીવ બચ્યો

Tapi: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખોડદા ગામે ખેતરમાં કામ કરી રહેલા મજૂર પર મધમાખીઓના ઝૂંડે હુમલો કરતાં તે ગંભીર ઘાયલ થયો હતો. જો કે 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસર સારવાર આપતા તેનો જીવ બચી ગયો છે. હાલ યુવકને વધુ સારવાર અર્થે નંદુરબાર રિફર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નિઝર તાલુકાના મૌજે ખોડદા ગામમાં રહેતા વીરસિંગભાઈ રળવી ગઈકાલે બપોરના સમયે ખેતરમાં ગયો હતો. જ્યાં વીરસિંગ કપાસ વીણવાનું કામ કરતો હતો, ત્યારે અચાનક મધમાખીઓએ તેના પર હુમલો કરી દીધો હતો. એકાએક મધમાખીનું ઝૂંડ ચોંટી પડતા વીરસિંગભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી.

આ સમયે કોઈએ 108ને જાણ કરતાં નિઝર 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. 108ના EMTએ જોયું તો, મધમાખીઓએ વીરસિંગના શરીર પર અનેક ડંખ માર્યા હતા. યુવકના શરીર પર મધમાખીઓના અસંખ્ય ઝેરી કાંટા હોવાના કારણે તેની તબિયત વધારે લથડી હતી.

આથી તાત્કાલિક દર્દીને ઓક્સિજન અને ઈન્જેક્શન આપીને ઝેરી કાંટા કાઢીને નિઝર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે દર્દીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.