Loading...

Tapi: તાપી જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર, 1600 કરોડથી વધુના સિંચાઈ પ્રકલ્પોની મળી ભેટ

આ સિંચાઈ પ્રકલ્પોનું CM પટેલે વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.   

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 30 Mar 2026 05:28 PM (IST)Updated: Mon 30 Mar 2026 05:28 PM (IST)
tapi-district-irrigation-projects-rs-1600-crores-cm-bhupendra-patel-718365
HIGHLIGHTS
  • તાપી જિલ્લાને સિંચાઈ યોજનાની ભેટ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઇ-લોકાર્પણ
  • અંદાજે રૂપિયા 1600 કરોડની યોજના

Tapi Irrigation Projects: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલી તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે અંદાજીત રૂ. 1600 કરોડથી વધુના સિંચાઈ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજનાઓ થકી તાપી જિલ્લાના હજારો ખેડૂતોને બારેમાસ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે અને તેમની ખેતી વધુ સમૃદ્ધ બનશે.

ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના

ઉચ્છલના બાબરઘાટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રૂ. 962.12 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશાળ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના કુલ 136 ગામોની 28 હજાર હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે.

બોરીસાવર યોજના: 8 હજાર હેક્ટર જમીનને લાભ

આ ઉપરાંત, રૂ. 651.37 કરોડના ખર્ચે સાકાર થનાર બોરીસાવર યોજનાનું પણ ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ આગામી સમયમાં પૂર્ણ થવાથી સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8 હજાર હેક્ટરથી વધુ જમીન સિંચાઈની સુવિધાથી સજ્જ થશે.

"પાણી એ વિકાસનો મુખ્ય આધાર" : CM પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે, પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે, અને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યના ઉપયોગથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તાર સુધી પહોંચાડી રહ્યા છીએ. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સેચ્યુરેશન એપ્રોચ' અને 'વનબંધુ કલ્યાણ યોજના' થકી આદિજાતિ વિસ્તારના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટીના સર્વાંગી વિકાસની પ્રાથમિકતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પ્રત્યક્ષ રીતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જળ સંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને રમત-ગમત રાજ્યમંત્રી ડો. જયરામ ગામીત ઉપસ્થિત રહ્યા અને તેઓએ કાર્યક્રમ સ્થળે તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા. સાથે જ ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન પર રાજ્ય સરકાર દ્વારા મળતી સબસિડીનો મહત્તમ લાભ લેવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.