Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાનાં રમતવીરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રમતગમત ક્ષેત્રે સ્થાનિક પ્રતિભાઓને વૈશ્વિક મંચ મળી રહે માટે સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ખાતે અંદાજે 20 કરોડની માતબર રકમનાં ખર્ચે એક અત્યાધુનિક એસી ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અત્યાધુનિક રમત-ગમત કોમ્પ્લેક્ષની વિશેષતા:
- મંજૂર કરાયેલી રકમ: ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે અંદાજિત રુ. 20 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
- બાંધકામ ખર્ચ: કોમ્પ્લેક્ષ નિર્માણ પ્રોજેક્ટ માટે ટેન્ડરની અંદાજિત રકમ રુ.22.28 કરોડ હતી. જેની સામે 18.45 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
આ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ રાજકોટ સ્થિત સંજય કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી કરાઈ રહી છે. અંદાજે 18 મહિનામાં બાંધકામ પૂર્ણ કરી દેવાશે. આ હાઈટેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓનો સર્વાંગી વિકાસ થાય માટે, ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારનું આધુનિક માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ઈન્ડોર સ્પોર્ટ્સ સુવિધાઓ
સુરેન્દ્રનગર જિલ્લાનાં ઈન્ડોર સ્પોર્ટ્સના ખેલાડીઓ માટે ખાસ સુવિધાનો સમાવેશ કરાયો છે. જેમાં ખેલાડીઓને યોગા, જુડો અને ટેક્વાન્ડોની તાલીમ માટેના ખાસ હોલ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસ હોલ, બોર્ડ ગેમ હોલ અને અત્યાધુનિક શૂટિંગ રેન્જ તેમજ મલ્ટીપર્પઝ હોલ તેમજ આધુનિક જિમ્નેશિયમ હશે.
આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ
અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આઉટડોર ગેમ્સ માટે ખોખો અને કબડ્ડી રમતા પ્લેયર્સ માટે ખાસ ગ્રાઉન્ડની સુવિધા હશે તેમજ અદ્યતન વોલીબોલ કાર્ટનો પણ સમાવેશ કરાયો છે.
અન્ય પૂરક સગવડો
- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે સુવિધાજનક લોકર રુમ અને કોચ રુમ હશે.
- આકર્ષક રિસેપ્શન એરિયા અને પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા.
- વિશાળ પાર્કિંગ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા.
