Mahavir Sindhav Funeral: સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચોકડી ગામના વતની અને અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા મહાવીર સિંઘવનું અમદાવાદના બોપલ વિસ્તારમાં ફ્લેટના ચોથા માળેથી સંદિગ્ધ સંજોગોમાં પટકાતાં મોત નીપજ્યું હતું. મંગળવારે તેમના વતન ચોકડી ગામ ખાતે ભારે ગમગીની અને અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સમગ્ર ઘટનાની વિગત:
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ સનસનાટીપૂર્ણ ઘટના અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝુરિયા' ફ્લેટમાં બની હતી. ઘટના સમયે મહાવીર સિંઘવ નશાની હાલતમાં હોવાનું અને પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે હોબાળો તેમજ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં મામલો બિચકતાં સ્થાનિક રહીશોએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર પોલીસને જાણ કરી હતી.

ચોથા માળેથી પટકાતા મોત
પોલીસ ફ્લેટ પર આવી રહી હોવાની ગંધ આવી જતાં મહાવીર સિંઘવે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચોથા માળેથી ઉતરતી વખતે અચાનક પગ લપસી જતાં તેઓ સીધા નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મહાવીર સિંઘવનો ભૂતકાળ અત્યંત ગુનાહિત અને વિવાદાસ્પદ રહ્યો છે.

મહાવીર સિંધવનો ગુનાહિત ઈતિહાસ
મહાવીરસિંહ સિંધવનું નામ અગાઉ ડ્રગ્સ (NDPS), સંગઠિત ગુનાખોરી (ગુજસિટોક), ખંડણી, લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, તેઓ કુખ્યાત 'લોરેન્સ બિશ્નોઈ ગેંગ' સાથે પણ કનેક્શન ધરાવતા હોવાનું અગાઉ ખુલ્યું હતું, જેને પગલે તેઓ રાષ્ટ્રીય એજન્સીઓ અને સ્થાનિક પોલીસના રડારમાં અવારનવાર ચર્ચામાં રહેતા હતા.

