Loading...

Surendranagar: પાટડીમાં રોંગ સાઈડમાં પુરપાટ આવતા છકડાએ બાઈક પર જતા દંપતીને ટક્કર મારતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

યુવક પિયરમાં આવેલી પત્નીને લઈને બાઈક પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ઘાસપુર અને ફૂલકી ગામ વચ્ચે કાળનો ભેટો થઈ ગયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 13 Jan 2026 09:39 PM (IST)Updated: Tue 13 Jan 2026 09:39 PM (IST)
surendranagar-news-chakado-hits-bike-man-killed-at-patadi-673721
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ બેકાબુ બનેલો છકડો રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો
  • પાટડી પોલીસે છકડા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પાટડી તાલુકામાં આવો જ એક એકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક દંપતી ખંડિત થઈ ગયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના રખીયાણા ગામમાં રહેતા જતિન ઠાકોર (22) પોતાની પત્ની કોમલ (19) સાથે દસાડાના હરીપર સ્થિત સાસરીમાં આવ્યા હતા. જ્યાંથી દંપતી બાઈક પર બેસીને રખીયાણા પરત જઈ રહ્યું હતુ. તેમનું બાઈક પાટડી તાલુકાના ઘાસપુર અને ફુલકી ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે સામેથી રોંગ સાઈડમાં પુરપાટ આવતા છકડાએ અડફેટમાં લીધા હતા.

છકડાની જોરદાર ટક્કરથી જતિન ઠાકોર અને તેમની પત્ની ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં જતિન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે તેમના પત્ની કોમલ ઠાકોરને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ બેકાબુ બનેલો છકડો રોડની નીચે ગુલાંટ ખાઈ ગયો હતો. આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો પોલીસે જતિન ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર છકડા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.