Surendranagar News: મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને પગલે, નાયબ ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે, કોઈ પણ મતદારનું નામ સુનાવણીની યોગ્ય તક આપ્યા વગર કમી કરવામાં આવશે નહીં અને તમામ કાર્યવાહી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવે છે.
તાજેતરમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરી દેવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો
ચૂંટણી વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પરથી નામ કમી કરવા માટે કુલ 24,278 ફોર્મ-7 અને નામ ઉમેરવા માટે 14,490 ફોર્મ-6 અને 6-એ અરજીઓ મળી છે.
સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે કોઈ એક જ વિધાનસભામાં 20 હજારથી વધુ નામ કમી કરવાના ફોર્મ મળ્યા છે, જે તદ્દન પાયાવિહોણી વાત છે. તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે જેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.
