Loading...

Gujarat SIR Update: ગુજરાતના મતદાતાઓને મુંઝવતો પ્રશ્ન, યાદીમાં નામ છતાં શા માટે મળી રહી છે નોટિસ

કેમ્પ દરમિયાન મતદારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં સૌથી પ્રમુખ સવાલ એ હતો કે, યાદીમાં નામ હોવા છતાં નોટિસ શા માટે મળી છે અને હવે શું કાર્યવાહી કરવી?

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 11 Jan 2026 12:42 PM (IST)Updated: Sun 11 Jan 2026 12:42 PM (IST)
gujarat-sir-update-why-are-voters-getting-notices-despite-being-on-the-list-672112

Ahmedabad News: ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ કોઇ ક્ષતિ રહી ગઇ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ સુધારણા પ્રક્રિયા અંતર્ગત બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા યોજાયેલા ચાર દિવસીય કેમ્પમાં મતદારોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. શહેરમાં 5524 બુથ પર સરેરાશ 10 થી 15 ટકા મતદારોએ પોતાની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી, જે મુખ્યત્વે મતદાર યાદીમાં નામ હોવા છતાં નોટિસ મળવા અને ફોર્મ ભરવામાં ચૂકી જવા સંબંધિત હતી.

કેમ્પ દરમિયાન મતદારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં સૌથી પ્રમુખ સવાલ એ હતો કે, યાદીમાં નામ હોવા છતાં નોટિસ શા માટે મળી છે અને હવે શું કાર્યવાહી કરવી? આ ઉપરાંત, જૂના ઘરના સરનામે એન્યુમરેશન ફોર્મ આવ્યું હતું પરંતુ ભર્યું ન હોય તેવા કિસ્સામાં શું કરવું, તેમજ અમુક સમય માટે વિદેશ ગયેલા પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાં જોડાવવા અંગેની પૂછપરછ પણ નોંધપાત્ર રહી હતી. ઘણા મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરવાનો સમયગાળો વિતી ગયા બાદ હવે ક્યાં જમા કરાવવા તે વિશે પણ પૂછપરછ કરી હતી.

BLOs દ્વારા મતદારોના વિવિધ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, મતદાર યાદીમાં નામ હોવા છતાં જો કોઈને નોટિસ મળી હોય, તો તેમણે નોટિસમાં દર્શાવેલ સ્થળે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. જે મતદારો જૂના સરનામે એન્યુમરેશન ફોર્મ ભરી શક્યા ન હતા, તેઓ હવે ફોર્મ-6 અથવા ફોર્મ-8 ભરીને પોતાનું નામ ફરીથી મતદાર યાદીમાં નોંધાવી શકે છે.

આ જ રીતે, બિનકાયમી રીતે વિદેશ ગયેલા મતદારો પણ ફોર્મ-6 અથવા ફોર્મ-8 ભરીને અને જરૂરી પુરાવા રજૂ કરીને પોતાનું નામ નોંધાવી શકશે. જે મતદાતાઓએ એન્યુમરેશન ફોર્મ ભર્યું નથી તેઓ હવે ભરી શકશે નહીં. એન્યુમરેશન ફોર્મ ભરવાનો સમયગાળો હવે સમાપ્ત થઈ ગયો હોવાથી તે ભરી શકાશે નહીં.

અમદાવાદના 5524 બૂથો પર અંદાજિત દરેક બૂથ પર સરેરાશ 1000 થી 1200 મતદારો છે, જેમાં 10 થી 15 ટકા મતદારોને મતદાર યાદી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ કેમ્પમાં મળેલા પ્રશ્નો અને તેના સમાધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં આખરી મતદાર યાદી જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ કેટલા મતદારના નામ કપાયા અથવા ઉમેરાયા તે સ્પષ્ટ થશે.