Loading...

સુરેન્દ્રનગરમાં ગુમ થયેલ યુવક-યુવતીના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, યુવતીના પરિવારે હત્યા કરી હોવાનો યુવકના સગાનો આક્ષેપ

યુવતીના મૃતદેહને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા, જ્યારે યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.   

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 06 Feb 2026 12:32 PM (IST)Updated: Fri 06 Feb 2026 12:32 PM (IST)
surendranagar-missing-man-and-woman-dead-body-found-in-canal-near-khamiyana-patiya-686801
HIGHLIGHTS
  • ખમીયાણા પાટીયા પાસે આવેલી કેનાલમાંથી બે મૃતદેહ મળ્યા
  • બંને મૃતકોની ઓળખ કરી, યુવક અને યુવતી ઘરેથી હતા લાપતા
  • યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો

Dead Body found in canal: સુરેન્દ્રનગરના જોરાવરનગર પાસે ખમીયાણા પાટીયા પાસે આવેલી કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક યુવક 2 ફેબ્રુઆરીએ ગુમ થયો હતો. જ્યારે યુવતી પણ બે દિવસ પૂર્વે ગુમ થયાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

કેનાલમાંથી મળ્યા યુવક-યુવતીના મૃતદેહ

મળતી વિગતો મુજબ, ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે જોરાવરનગર નજીક ખમીયાણાના પાટીયા પાસે કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ કાઢવા તજવીજ હાથ ધરી, ત્યારે જ ત્યાંથી અન્ય એક યુવતીનો મૃતદેહ પણ મળ્યો હતો. એક સાથે બે મૃતદેહ મળતા પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં થઈ ઓળખ

પોલીસ તપાસ દરમિયાન મળતી માહિતી અનુસાર પહેલો મૃતદેહ જે યુવકનો હતો તેનું નામ  સાહિલ અલાઉદીન ઈબ્રાહીમ મલેક છે. આ યુવક સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલ આદર્શ સોસાયટીમાં રહે છે. જ્યારે બીજો મૃતદેહ ગુડ્ડીબેન મુન્નાભાઈ મકવાણા નામની યુવતીનો છે. તે યુવતી 80 ફૂટ રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે રહેતી હતી.

યુવક અને યુવતી હતા લાપતા

આપને જણાવી દઈએ કે આ યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ અગાઉ નોંધાઈ હતી. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ આદર્શ સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો 22 વર્ષીય સાહિલ અલાઉદીન ઈબ્રાહીમ મલેક ગત 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8:30 કલાકે પોતાના ઘરેથી લાપત્તા થયો હતો. તેની બાઈકની ચાવી પણ ઘરે જ પડી હતી. બીજી તરફ યુવતી પણ બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઈ હતી. 

યુવતીના પરિવાર સામે હત્યાનો આક્ષેપ

યુવક અને યુવતીનો મૃતદેહ એક જ સ્થળે મળી આવતા આ મામલો ગંભીર હોવાનું જાણી પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ સાહિલના પરિવારે ગુડ્ડીના પરિવારજનો પર સાહિલની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો. સાહિલના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જ્યારે યુવતીના મૃતદેહનું સુરેન્દ્રનગર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

પોલીસની તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, સાહિલ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતો, અને તે મજૂરી કામ કરતો હતો. સાહિલે બે વર્ષ પૂર્વે જાન્હવી શૈલેષ કોળી નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. હત્યાના આક્ષેપ બાદ આ મામલે સુરેન્દ્રનગર પોલીસે જરૂરી તપાસ શરૂ કરી છે.