Loading...

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: IAS રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ; ACB દ્વારા તપાસ માટે SITની રચના કરાઇ

ED દ્વારા 2 જાન્યુઆરીના રોજ ધરપકડ કરાયા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 06 Jan 2026 09:26 AM (IST)Updated: Tue 06 Jan 2026 09:26 AM (IST)
surendranagar-land-scam-ias-rajendra-patel-suspended-acb-forms-sit-to-probe-668850

Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જિલ્લામાં કિંમતી જમીનોની ફાળવણી અને ખેતીની જમીનને બિનખેતી (NA) કરવાના મામલે થયેલા વ્યાપક કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે સકંજો મજબૂત થયો છે. આવક કરતા વધુ સંપત્તિના મામલે ગુનો નોંધાયા બાદ હવે SIT દ્વારા આ કેસની સઘન તપાસ કરવામાં આવશે.

IAS રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

ED દ્વારા 2 જાન્યુઆરીના રોજ ધરપકડ કરાયા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યપાલના હુકમથી ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ હાલ 7મી જાન્યુઆરી સુધી કસ્ટડીમાં છે. તેમની બદલી બાદ સરકારી બંગલો પણ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સામાન ગાંધીનગર ખસેડવામાં આવ્યો છે. કલેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકને સોંપાયો છે.

SITમાં સામેલ અધિકારીઓની યાદી

ACB દ્વારા રચાયેલી 6 સભ્યોની ટીમમાં નીચે મુજબના અધિકારીઓ તપાસ ચલાવશે:

  • બી. જે. પંડ્યા: નાયબ નિયામક, ACB અમદાવાદ
  • કે. એચ. ગોહિલ: ઇન્ચાર્જ મદદનીશ નિયામક, રાજકોટ
  • આર. બી. દેસાઈ: મદદનીશ નિયામક, અમદાવાદ
  • ડી. એન. પટેલ: પોલીસ ઇન્સ્પેક્ટર, ACB
  • એમ. ડી. પટેલ: પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર
  • પી. એ. દેકાવડિયા: પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી

નાયબ મામલતદારના બેડરૂમમાંથી લાંચના ₹67.50 લાખ જપ્ત

આ કૌભાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીના ઘરેથી થયો છે. EDના દરોડા દરમિયાન તેમના બેડરૂમમાં છુપાવેલી ₹67.50 લાખની રોકડ મળી આવી હતી. આરોપીએ નિવેદનમાં સ્વીકાર્યું છે કે આ રકમ જમીનની અરજીઓના ઝડપી અને સાનુકૂળ નિકાલ માટે વચેટિયાઓ દ્વારા એકઠી કરેલી લાંચની રકમ છે.

અધિકારીઓમાં ફફડાટ અને બદલીઓનો દોર

EDની તપાસના એંધાણ મળતા જ અનેક કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વર્ષોથી કલેક્ટરના PA તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઝાલાની મુળી ખાતે અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધાંગધ્રા ખાતે બદલી કરી દેવામાં આવી છે. હાલમાં અધિક કલેક્ટર આર.કે ઓઝા અને ચીટનીશ મયુર દવે પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. આગામી દિવસોમાં SIT અને EDની તપાસમાં અન્ય અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી પુરેપુરી શક્યતા છે.