Surendranagar News: સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. ત્યારે ચોટીલામાં આપ અને કોંગ્રેસને મોટો ફટકો વેઠવાનો વારો આવ્યો છે. તેમાં સ્થાનિક સ્તર પર મજબૂત પકડ ધરાવતા સરપંચો તેમજ પાયાના કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
કોંગ્રેસ -આપના નેતાઓ ભાજપમાં જોડાયા
કોંગ્રેસના ગઢ કહેવાતા વિસ્તારોમાં આ વખતે મોટું ભંગાણ સર્જાયું છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના અગ્રણી નેતા અને મોટા કાંધાસર ગામના સરપંચ વિરમભાઈ સોળમીયા, કોંગ્રેસ આગેવાન, કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ અને કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા ભરત મકવાણાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
આપને પણ ચોટીલામાં આપને પણ ફટકો લાગ્યો છે. આપના આગેવાન એવા કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભી પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
આગેવાનોએ પક્ષમાં પ્રવેશ કર્યો
તમામ આગેવાનોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ચોટીલા તાલુકા ભાજપના મહામંત્રી રાજુ ખાચર, પંકજ ચૌહાણ, ડો. નિલેશ કલોત્રા તેમજ મોટા આગેવાનો હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. આ જોડાણથી ચોટીલામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની છે. જોકે, આથી કોંગ્રેસ અને આપે તેમની રણનીતિ બદલવી પડશે તેવું વિશ્લેષકોનું માનવું છે.
