Loading...

રાજકોટમાં લાખોનું ફુલેકુ ફેરવ્યું, સુરતમાં શરૂ કર્યું નકલી નોટોનું રેકેટ; 'સત્યમ' હેર સલૂન સંચાલક પ્રદીપ જોટાંગીયા કેવી રીતે બન્યો યોગગુરુ પ્રદીપ?

રાજકોટમાં હેર સલૂન ચલાવનાર 'પ્રદીપ' કેવી રીતે બન્યો નકલી નોટોના રેકેટનો 'ગુરુજી'?

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 20 Mar 2026 03:43 PM (IST)Updated: Fri 20 Mar 2026 04:11 PM (IST)
who-is-pradeep-jotangiya-guruji-mastermind-of-surat-fake-currency-racket-711980
HIGHLIGHTS
  • આશ્રમની આડમાં નકલી નોટોનું કૌભાંડ
  • યોગગુરુ પ્રદીપ સહિત 7 લોકો ઝડપાયા
  • આરોપી પ્રદીપ જોટાંગીયા ચર્ચામાં આવ્યો

Who is Pradeep Guruji? 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' આશ્રમમાં AI થી નકલી નોટો છાપવાનું રેકેટ અને તેનું ચાઈના કનેક્શન ગુજરાતમાં હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ મસમોટા રેકેટના મુખ્ય માસ્ટરમાઈન્ડ તરીકે એક 'યોગગુરુ પ્રદીપ' નું નામ સામે આવ્યું છે. આવો જાણીએ હેર સલૂન ચલાવનાર એક સામાન્ય વ્યક્તિ પ્રદીપ જોટાંગીયા, કેવી રીતે કરોડોની સંપત્તિનો માલિક અને પ્રદીપ ગુરુજી બન્યો...

રાજકોટમાં 'સત્યમ' હેર સલૂનથી કરી શરૂઆત

પ્રદીપ ગુરુજીનું સાચું નામ પ્રદીપ દિલીપભાઈ જોટાંગીયા છે. તેણે ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેઓ હવે સાથે રહેતા નથી. આધ્યાત્મિક ગુરુ બનતા પહેલા પ્રદીપ મૂળ રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યારબાદ તેણે રાજકોટમાં જ 'સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટર' અને પટેલ ફાઉન્ડેશનના નામે યોગ ક્લાસની શરૂઆત કરી હતી. 

લોકોનું ફૂલેકું ફેરવ્યા બાદ બન્યા 'યોગગુરુ પ્રદીપજી'

જોકે, રાજકોટમાં લોકોનું મોટું ફૂલેકું ફેરવ્યા બાદ પ્રદીપ સુરત આવી ગયો અને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યોગ, રોગમુક્તિ અને મેડિટેશનના લાઈવ સેશન અને વીડિયો મૂકવાની શરૂઆત કરી, જેનાથી તેને મોટો અનુયાયી વર્ગ મળ્યો. જે બાદ તેણે પોતાને 'સદગુરુ શ્રી પ્રદીપજી' અથવા 'યુગ પુરુષ અષ્ટાંગ યોગસિદ્ધ યોગગુરુ' તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું.  

'સત્યમ યોગ ફાઉન્ડેશન' અને ગોરખધંધા માટે આશ્રમ!

વર્ષ 2008માં તેણે સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' ની સ્થાપના કરી. જે બાદ લગભગ 7 વર્ષ પહેલા તેણે લોકોના પૈસે ગામમાં એક વીઘા જમીન ખરીદીને આ સંસ્થા દ્વારા સંચાલિત શ્રી સત્યમ યોગ ધામનું આલિશાન બાંધકામ શરૂ કર્યું હતું. 

સામાન્ય રીતે આશ્રમ ખુલ્લા હોય છે, પરંતુ પ્રદીપે આશ્રમની ફરતે 15 ફૂટ ઊંચી દીવાલ અને લોખંડના તારની ફેન્સીંગ કરી એક કિલ્લો બનાવી દીધો હતો. આ બાબતે જ્યારે ગામના લોકોએ વિરોધ કર્યો, ત્યારે તેણે બહાનું કાઢતા જણાવ્યું કે, આ બધું અંગત સુરક્ષા અને યોગની એકાગ્રતા માટે છે.

વૈભવી લાઈફ સ્ટાઈલ, લક્ઝરી ગાડીઓ અને અશ્વશાળા 

આ આશ્રમમાં ગૌશાળાની સાથે સાથે અશ્વશાળા અને લક્ઝરી ગાડીઓનો કાફલો હતો, જે તેની રાજા-રજવાડા જેવી વૈભવી લાઈફ સ્ટાઈલની ચાડી ખાતા હતા. તે પોતાની અત્યંત આધુનિક ઓફિસના મોંઘા સોફા પર બેસીને કાળા કામોનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. આશ્રમમાં મોટા બેઝમેન્ટ પણ બનાવ્યા હતા.

અનૈતિક પ્રવૃત્તિઓના આક્ષેપ અને પત્ની સાથે છૂટાછેડા

યોગ અને આયુર્વેદના નામે આશ્રમમાં અસામાજીક પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશ્રમમાં રાત્રે 12 વાગ્યા પછી લક્ઝરી ગાડીઓમાં અજાણી યુવતીઓ આવતી અને વહેલી સવારે 4 વાગ્યે જતી રહેતી હતી. પ્રદીપના આવા કથિત કાળા કારનામા અને અનૈતિક પ્રવૃત્તિઓ વચ્ચે તેની પત્નીએ પાંચ વર્ષ પહેલા જ તેની સાથે છેડો ફાડી નાખ્યો, અને ડિવોર્સ લઈને પિયર જતી રહી હતી.

નામી નેતાઓ સાથેની મુલાકાત અને ફોટા

પ્રદીપ જોટાંગીયાના આશ્રમમાં અનેક નેતાઓ મુલાકાત લઇ ચુક્યા છે, અને તેમની સાથેના ફોટા પણ છે. પ્રદીપના અંગત જીવનની વાત કરીએ તો, આશ્રમમાં હાલમાં તેના વૃદ્ધ પિતા અને માતા તેની સાથે રહે છે, પરંતુ તેની પત્ની પાંચ વર્ષ અગાઉ છૂટાછેડા લઈ અલગ થઈ ગઈ હોવાની માહિતી છે. ભૂતકાળમાં 2018માં આ જ આશ્રમમાં આત્મહત્યાના પ્રયાસની ગંભીર ઘટના પણ બની ચૂકી છે.

યોગાશ્રમ માટે કરોડોનું ફંડ મેળવવા કરી જાહેરાત

સુરતમાં પોતાના યોગાશ્રમને મોટો કરવા અને ડેવલપ કરવા પ્રદીપ જોટાંગીયાને કરોડો રૂપિયાની જરૂર હતી. છેલ્લા લગભગ એક વર્ષથી વધુ સમયથી, તેઓ આશ્રમ માટે ફંડ મેળવવા માટે વિવિધ પ્રયાસો કરતા હતા. જેમાં સેવા પ્રવૃત્તિઓના ફોટા સાથેના પેમ્ફલેટ છપાવી અને જાહેરાત કરીને લોકો પાસે ફંડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ પ્રયાસો છતાં જરૂરી ભંડોળ એકત્ર થયું ન હતું.

ફંડની અછત થતાં નકલી નોટોના કૌભાંડમાં ઝંપલાવ્યું

આર્થિક સંકડામણ અને આશ્રમનો વિકાસ કરવાની ઈચ્છા પૂરી કરવા માટેલોકો પાસેથી જાહેરાતો દ્વારા પરંતુ ફંડ ન મળતાં, તેણે પોતાના અનુયાયીઓ સાથે મળીને નકલી નોટોના કારોબારમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. તેના સાગરીતોએ ચીનથી સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યા અને એક આરોપીના ઘરમાં નકલી નોટો છાપવાનું શરૂ કર્યું.

આખરે યોગના નામે ચાલતો 'પાપનો ઘડો ભરાઈ ગયો'

પોલીસ અને લોકોની નજરથી બચવા માટે તે પંચકર્મ અને યોગ શિબિરોના બહાને મોટા ઘરના પ્રતિષ્ઠિત લોકો અને નેતાઓને આશ્રમમાં બોલાવતો હતો. નકલી નોટોની હેરાફેરી માટે ગાડી પર 'Government of India' અને 'આયુષ મંત્રાલય' ના બોર્ડ લગાવી દીધા હતા. આખરે સુરતથી અમદાવાદ ₹2 કરોડથી વધુની નકલી નોટોની ડીલ કરવા જતી વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રદીપ ગુરુજી અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા.

આશ્રમમાંથી મળ્યા છાપખાનાના સાધનો-દસ્તાવેજો

પોલીસ તપાસમાં આશ્રમમાંથી પણ છાપખાનાના સાધનો અને દસ્તાવેજો મળ્યા છે. પ્રદીપ ગુરુજીએ પોલીસને કહ્યું કે આ નોટો "લોકોના કલ્યાણ" અને આશ્રમની સામાજિક પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવી હતી, કારણ કે ફંડની અછત હતી. તેમના રાજકીય અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે. હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને બપોરે 2:00 વાગે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજી વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે, જેમાં આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો સામે આવી શકે છે. આ ઉપરાંત, નકલી નોટો લેવાના હતા તેવા વોન્ટેડ બે આરોપીઓને પકડવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.