Loading...

Ahmedabad: સુરતના નકલી નોટ રેકેટમાં 7 આરોપીના રિમાન્ડ મંજૂર, પ્રદીપ જોટાંગીયાની પણ સઘન પૂછપરછ થશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 21 Mar 2026 11:26 AM (IST)Updated: Sat 21 Mar 2026 11:26 AM (IST)
ahmedabad-court-give-10-day-remand-of-7-accused-in-surat-fake-note-racket-712477
HIGHLIGHTS
  • સુરત નકલી નોટ કેસમાં તપાસ આગળ વધી
  • 7 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા
  • પ્રદીપ જોટાંગીયાના ભૂતકાળની તપાસ કરાશે

Surat fake note case: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપી પાડવાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પોલીસે સુરતના પ્રદીપ જોટાંગીયા (પ્રદીપ ગુરુજી) સહિત કુલ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

7 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મુખ્ય સૂત્રધાર પ્રદીપ ગુરુજી સહિત તમામ 7 આરોપીઓના 30 માર્ચ બપોર સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ કરશે

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે. આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની 5600 નકલી નોટો રીકવર કરવામાં આવી છે. સહ આરોપીઓને સાથે રાખીને સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ કરવાની છે. જો આરોપીઓ પાસે અન્ય નકલી નોટ હોય તો ક્યાં સંતાડી છે, કેવી રીતે નકલી નોટો છાપી, તેને ક્યાં વાપરી તે અંગે તપાસ કરવાની છે.

રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ હાથ ધરવામાં આવશે અને અન્ય સંતાડેલી નકલી નોટો શોધવામાં આવશે. આરોપીઓએ કઈ રીતે નકલી નોટો છાપી અને તે માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ તથા પ્રિન્ટર જેવા સાધનો કબજે કરવાના બાકી છે. આ ઉપરાંત કઈ ઓરિજિનલ નોટો સ્કેન કરવામાં આવી હતી તેની પણ તપાસ થશે.

ચીનથી મંગાવ્યા હતા સ્પેશિયલ કાગળ

નકલી નોટો છાપવા માટે સ્પેશિયલ કાગળ ચીનથી મંગાવવામાં આવ્યો હતો, આ કાગળ કોણે મંગાવ્યો અને ભારતમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યો તે દિશામાં સઘન પૂછપરછ કરાશે. આરોપીઓ અમદાવાદમાં આ નકલી નોટો વટાવવા આવ્યા હતા, તેથી પૂરી શક્યતા છે કે તેમણે સુરતમાં પણ આ નોટો વેચી હોય.

આ નકલી નોટોના ખરીદ-વેચાણમાં કોણે કોને કેટલા રૂપિયા આપ્યા તેનો હિસાબ મેળવવાનો છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમો આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ (CDR), ઇન્કમટેક્સ રિટર્ન અને તેમના ગુનાહિત ભૂતકાળ અંગે પણ ઝીણવટભરી તપાસ કરશે.

આશ્રમમાંથી મળ્યા છાપખાનાના સાધનો

આપને જણાવી દઈએ કે, પોલીસ તપાસમાં આશ્રમમાંથી પણ છાપખાનાના સાધનો અને દસ્તાવેજો મળ્યા છે. પ્રદીપ ગુરુજીએ પોલીસને કહ્યું કે આ નોટો "લોકોના કલ્યાણ" અને આશ્રમની સામાજિક પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવી હતી, કારણ કે ફંડની અછત હતી. તેમના રાજકીય અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે. હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.