Surat Fake Currency: સુરત SOG પોલીસ ટીમે ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો સાથે એક રત્નકલાકારને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 5 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો (Duplicate notes) જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 1 વર્ષમાં આરોપી 25 લાખની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
નકલી નોટો સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ સુરતમાં SOG પોલીસની ટીમે વરાછા રોડ સાધના ચેમ્બર્સ પાસેથી 27 વર્ષીય આરોપી પરેશભાઈ પુનાભાઈ હડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી અમરેલી જિલ્લાનો વતની છે, અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી પાસેથી 5 લાખ રૂપિયા કિંમતની ભારતીય ચલણી બનાવટી નોટો (Counterfeit notes) જપ્ત કરી હતી.
એક વર્ષમાં 25 લાખ વાપર્યા, પણ નકલી
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો લાવે છે, અને તે નોટ પોતે સુરત શહેરમાં શાકભાજીની માર્કેટ, છૂટક દુકાનદાર, પાનના ગલ્લા અને નાની મોટી ખાણીપીણીની દુકાનો ખાતે વટાવતો હતો.
સુરત SOG પોલીસની કાર્યવાહી
DCP રાજદિપસિંહ નકુમે જણાવ્યું હતું કે, પોલીસ ટીમે નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. આરોપી પરેશ હડિયાને વરાછા મીની બજાર વિસ્તારમાંથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બીજા પાર્ટનર રાજુ વાઘમશી પાસેથી આ નોટો લાવતો હતો.
લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી
આ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે, અને એક જ સીરીઝ નંબર વાળી છે. એટલે આરોપી નોટની ઝેરોક્ષ કરીને બજારમાં ભીડભાડ વાળી જગ્યા, પાનના ગલ્લા, શાકભાજીની લારી અને ખાણીપીણીની દુકાનો પર જ્યાં ભીડ હોય ત્યાં વટાવતો હતો. મોટાભાગે વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં નોટો વટાવવાનું કામ કરતો હતો.
સાવરકુંડલાનો આરોપી વોન્ટેડ
પકડાયેલો આરોપી છેલ્લા 6 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરે છે, અને છેલ્લા 1 વર્ષથી નકલી નોટો વટાવવાનું કામ કરતો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં 1 વર્ષમાં 25 લાખની આવી રીતે નોટો વટાવી ચૂક્યો છે. રાજુ વાઘમશી પાર્ટનર છે, તે સાવરકુંડલાનો છે અને આ બન્નેની 75-25 ની ભાગીદારી હતી.
